કતારગામ જીઆઈડીસીમાં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં ખાતાના મુહૂર્ત પ્રસંગે ગયેલા મેનેજરનું ચોથા માળેથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. ખાતાનો દરવાજો સરળતાથી નહીં ખૂલતાં જોરથી ખોલવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓને પગલે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત થયું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરથાણાના વ્રજ ચોક પાસે આવેલા વ્રજ વિહારમાં રહેતા 43 વર્ષીય દિનેશકુમાર ધીરુભાઈ સાવલિયા કતારગામ જીઆઈડીસીમાં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેઓ પત્ની અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ગત 16મી તારીખે સવારે એમ્બ્રોઈડરીના ખાતાનું મુહૂર્ત હોવાથી દિનેશભાઈ ત્યાં ગયા હતા. દરમિયાન ખાતાનો દરવાજો સરળતાથી નહીં ખુલતાં તેમણે જોરથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ચોથા માળેથી નીચે પટકાયા હતા. ઘટનામાં ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.