જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને કસ્ટમ્સ સંબંધિત કામગીરીમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારને વધુ સરળ બનાવવા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) તથા ભારત ડાયમંડ બુર્સ (BDB) દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 23 નવેમ્બર, 2026ના રોજ મુંબઈ સ્થિત BDB ખાતે ડિરેક્ટર જનરલ ઓફ એક્સપોર્ટ પ્રમોશન (DGEP)ના ડિરેક્ટર જનરલ રવિચંદ્રન સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં DGEPના પ્રિન્સિપલ એડિશનલ ડાયરેક્ટર જનરલ રંજન ખન્ના સહિત કસ્ટમ્સ વિભાગના સંયુક્ત કમિશનર કિરણ ટી.એ., ડેપ્યુટી કમિશનર અજિત તોગરે અને આસિસ્ટન્ટ કમિશનર ભારતી બલ્થિયાનાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉદ્યોગ તરફથી BDBના પ્રમુખ અને GJEPCના ડાયમંડ પેનલના કન્વીનર અનુપ મહેતાએ વેપારીઓની વિવિધ મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમાં રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ (RMS)ની સુવિધા, કન્સાઇનમેન્ટ આધારે નિકાસ થતા માલમાં ટોલરન્સની છૂટ, જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર (AEO)ના લાભો આપવા તથા BDBમાંથી પોસ્ટલ નિકાસની સુવિધા શરૂ કરવાની માંગનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત EDPMS અને IDPMS સંબંધિત મુશ્કેલીઓ, શિપિંગ બિલમાં થયેલી ભૂલો સુધારવાની મંજૂરી તેમજ દુબઈ અને હોંગકોંગથી આવતા અને ત્યાં મોકલાતા તમામ પાર્સલની 100 ટકા તપાસના મુદ્દા પણ રજૂ કરાયા હતા.
રજૂઆતોના પ્રતિભાવમાં DGEP દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે વિશેષ એપ્રીેઝમેન્ટ મેન્યુઅલ તૈયાર કરવાનું સૂચન કરાયું હતું. આ મેન્યુઅલ કસ્ટમ્સ અધિકારીઓ અને ઉદ્યોગકારો માટે સંદર્ભ માર્ગદર્શિકા બનશે, જેના પરિણામે માલના મૂલ્યાંકન અને કસ્ટમ્સ પ્રક્રિયામાં એકરૂપતા, પારદર્શિતા તથા સ્પષ્ટતા આવશે.