વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વધુ એક મોટી કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી લીધી છે. વહેલી સવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે વલસાડ નજીક ગુંદલાવ સ્કૂલ ફળિયા (ખેરગામ રોડ) પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ક્રેટા કાર (નં. GJ-15-CS-5454) અને XUV કાર (નં. GJ-15-CB-1022) ને અટકાવી તપાસ હાથ ધરી હતી. બંને વાહનોની તલાશી લેતા તેમાંથી ₹16.64 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 5,748 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, બંને કાર અને મોબાઈલ ફોન મળીને કુલ ₹31.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓ
રાજ મુકેશભાઈ ગાંધી (રહે. શિવ શક્તિ રેસિડેન્સી ગુંદલાવ), વત્સલ જનકભાઈ રબારી (રહે. વૈશાલી પાર્ક સોસાયટી, કૈલાશ રોડ, વલસાડ), અમિત કિશોરભાઈ શાહ (રહે. કોળીવાડ, વાપી), સબીર મોહંમદ નહીમ અહેમદ પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો દમણથી ભરાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દારૂ ભરાવનાર દમણના સચિન ગોવિંદરાવ ઠાકરે અને પાયલોટિંગ કરનાર કાલી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.