કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) તરફથી મળેલા એલર્ટના આધારે નાની દમણ પોલીસે ઓનલાઈન બેટિંગ અને નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ શખ્સોને પૂછપરછ માટે પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે.
દમણના કાથીરિયા વિસ્તારમાં સાગર પેટ્રોલ પંપની સામે આવેલા બેંક ઓફ મહારાષ્ટ્રના એ.ટી.એમ. માંથી શંકાસ્પદ રીતે મોટી માત્રામાં રોકડ રકમ ઉપાડવામાં આવતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે સ્થાનિક બાતમી, બેંકની ટેક્નિકલ માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે બે શંકાસ્પદ શખ્સોને એ.ટી.એમ. નજીકથી ઝડપી પૂછપરછ હાથ ધરતાં દિલીપનગર સ્થિત જ્ઞાનસાગર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી અન્ય ત્રણ શખ્સો મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ‘d2tlive’ અને ‘Reddy Anna’ નામના ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ પ્લેટફોર્મ મારફતે કથિત રીતે સટ્ટાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
વિવિધ બેંક ખાતાઓમાં નાણાંની હેરફેર કરી એ.ટી.એમ. કાર્ડ મારફતે રોકડ રકમ ઉપાડવામાં આવતી હોવાની માહિતી પણ પોલીસને મળી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 16 મોબાઈલ ફોન, 16 એ.ટી.એમ. કાર્ડ, એક આઈ પેડ, એક લેપટોપ, ત્રણ પાનકાર્ડ, ત્રણ આધારકાર્ડ, ત્રણ બેંક પાસબુક, હિસાબ-કિતાબની બે બુક અને ત્રણ મોબાઈલ ચાર્જર જપ્ત કર્યાં છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની કાર્યપદ્ધતિ, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસે નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓ સાથે બેંક ખાતાની વિગતો, એ.ટી.એમ. કાર્ડ, પીન કે ઓ.ટી.પી. શેર નહીં કરવા તેમજ સાયબર છેતરપિંડીના કિસ્સામાં હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.