વડોદરા પાલિકાની પાણી પુરવઠા વિતરણ શાખાની અણઘડ અને ઢીલી નીતિ ફરી એકવાર સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણની કામગીરી માટે ખાનગી ટેન્કરો ભાડે લેવાનો રૂ. બે કરોડની મર્યાદાનો વાર્ષિક ઈજારો મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે અગાઉના ઈજારાની નાણાકીય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ અંદાજે ૨૦ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયા પછી તંત્ર સફાળું જાગ્યું છે અને નવીન ઈજારાની મંજૂરી માટેની કવાયત તેજ કરી છે.
વડોદરામાં પાણીની લાઈનમાં દૂષિત પાણી આવવાની વ્યાપક ફરિયાદો, લો-પ્રેશર, લાઈન બ્રેક-ડાઉન, વાલ્વ બગડવા તેમજ પંપ સ્ટેશનની કામગીરી દરમિયાન નાગરિકોને પાણી માટે વલખાં મારવા પડે છે. આવા વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવા સ્થાનિક નાગરિકો અને સભાસદો તરફથી સતત રજૂઆતો થાય છે, પરંતુ વિભાગ પાસે પોતાના પૂરતા વાહનો જ ન હોવાથી પાલિકાને ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે.
અગાઉ ઈજારદાર મે. છોટુ મધુકર પાટીલને અપાયેલા વર્ક ઓર્ડરની કુલ રૂ. ચાર કરોડ ની નાણાકીય મર્યાદા પૂર્ણ થતાં તા. ૦૭.૧૧.૨૦૨૬ સુધી કામગીરી ચાલી હતી. તંત્રની બેદરકારીને કારણે જૂનો ઈજારો પૂરો થાય તે પહેલાં નવી વ્યવસ્થા ન ગોઠવાતા ઈજારો બંધ થયો હતો અને રોજબરોજની આવશ્યક કામગીરી પર અસર પડવાની સ્થિતિ સર્જાઈ હતી.
હવે રૂ. ૨ કરોડના નવા વાર્ષિક ઈજારામાં લોએસ્ટ ઈજારદાર મે. રાજેશ સપ્લાયર્સનો ભાવ પ્રતિ ફેરા ૪૦૦૦ લીટર ટેન્કર માટે રૂ. ૨૮૮ અંદાજથી ૩.૫૫ ટકા ઓછા મુજબ આવ્યો છે. આયોજનના અભાવે હવે સ્થાયી સમિતિની મંજૂરી મળે ત્યાં સુધી અગાઉનો ઈજારો પૂર્ણ થયા બાદની પાછલી તારીખથી જ સફળ ઈજારદાર પાસે કામગીરી કરાવી બિલોનું ચુકવણું કરવાની દરખાસ્ત તૈયાર કરી તંત્ર પોતાની ભૂલ ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાણી માટે વલખાં અને ‘ટેન્કર રાજ’ની ચર્ચા: તંત્રની નિષ્ફળતા પર સવાલ
વડોદરામાં પાણી વિતરણની વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. લાઈનમાં દૂષિત પાણી આવવું, લો-પ્રેશર, વાલ્વ બગડવા અને લાઈન બ્રેક-ડાઉન જેવી સમસ્યાઓ વચ્ચે શહેરના નાગરિકોને આજે પણ નિયમિત અને પૂરતી પાણીની સુવિધા મળી શકતી નથી. વિભાગ પાસે પોતાના પૂરતા વાહનો ન હોવાથી પાલિકાને ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે, એક તરફ ટેન્કર વ્યવસ્થામાં ગેરરીતિ અને કૌભાંડોની ચર્ચાઓ વચ્ચે રૂ. ૪૦૦ લાખની મર્યાદા પૂરી થઈ ગઈ છે અને હવે પ્રતિ ફેરા રૂ. ૨૮૮ના ભાવે નવા ઈજારાની તૈયારી થઈ રહી છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકોને પીવાના પાણી માટે આજે પણ ખાનગી ટેન્કરો અને તંત્રની દયા પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.