નિઝરના રાયગઢ ગામની સીમમાં ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર અલ્ટો કાર અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.26/11/2026ના રોજ રાત્રિના આશરે 12:30 વાગ્યાના સુમારે પંડિત ઉર્ફે બાડા રમેશ દેવરે, કૃષ્ણા ઉર્ફે ભાવસાહેબ ધનરાજ શિરસાઠ અને રૂષિકેશ દિલીપ બોરસે અલ્ટો કાર નં.(MH-18-T-1805)માં સુરત ખાતે લગ્નપ્રસંગમાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન નિઝર તાલુકાના રાયગઢ ગામની સીમમાં બસ સ્ટોપથી આશરે 100 મીટરના અંતરે સામેથી આવતી ટ્રાવેલ્સ ગાડી નં.(AR-11-E-5671)ના ચાલકે ગાડી પૂરઝડપે હંકારી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અલ્ટો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર રૂષિકેશ દિલીપ બોરસેને માથાના પાછળના ભાગે ઇજા તેમજ જમણા પગમાં ઘૂંટણથી નીચે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પંડિત ઉર્ફે બાડા રમેશ દેવરેને ચહેરા, મોં, હોઠ, દાઢી અને છાતીના ભાગે ગંભીર ઇજા તેમજ ડાબા હાથના ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમજ કૃષ્ણા ઉર્ફે ભાવસાહેબ ધનરાજ શિરસાઠને માથાના ડાબા ભાગે, ડાબી આંખ ઉપર, હોઠ અને ડાબા હાથના ખભાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નિઝર પોલીસે ટ્રાવેલ્સના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.