વોટ્સએપ મારફતે 'વેડિંગ ઇન્વિટેશન.APK' નામની ફાઈલ મોકલી મોબાઈલ હેક કરીને રૂ. ૧૦.૦૨ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવાના ગુનામાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક આરોપીને ઉત્તરપ્રદેશના બિજનૌર ખાતેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી સાયબર ઠગ ટોળકીને પોતાનું બેંક એકાઉન્ટ કમિશન પર આપતો હતો અને છેતરપિંડીના રૂપિયા ઉપાડી મુખ્ય સાગરિતો સુધી પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો.
આ ગુનામાં ઠગ ટોળકીએ ફરિયાદીના વોટ્સએપ પર બનાવટી કૂટલેખન ધરાવતી 'વેડિંગ ઇન્વિટેશન.APK' ફાઈલ મોકલી હતી. લગ્નનું આમંત્રણ સમજી ફરિયાદીએ ફાઈલ ડાઉનલોડ કરતાં તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ સાયબર ઠગોએ ફરિયાદીની જાણ બહાર તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ વ્યવહારો મારફતે કુલ રૂ. ૧૦,૦૨,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.ડી. મંડોરા તથા તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. ફરિયાદીના ખાતામાંથી જે બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હતા તેની વિગતો મેળવી ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તપાસની કડીઓ ઉત્તરપ્રદેશના બિજનૌર સુધી પહોંચતાં સાયબર ક્રાઈમની ટીમે ત્યાં તપાસ કરી આરોપી દેવેન્દ્ર દુલાલ મલિક (ઉં.વ.૨૮, રહે. ધર્મ નગરી કોલોની, બિજનૌર, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી પોતાનું બેંક ખાતું સાયબર ઠગોને કમિશનના બદલામાં વાપરવા આપતો હતો. ફરિયાદીના ખાતામાંથી ટ્રાન્સફર થયેલી રકમ આ ખાતામાં મેળવ્યા બાદ આરોપી ચેક મારફતે રોકડ ઉપાડતો હતો. કુલ ઉપાડેલી રકમમાંથી આશરે ૨૦ ટકા કમિશન પોતાની પાસે રાખી બાકીની રકમ ફરાર સહઆરોપીઓને પહોંચાડતો હતો. ધોરણ-૯ સુધી અભ્યાસ કરેલો આરોપી આ રીતે સાયબર છેતરપિંડીની નાણાકીય કડી તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી અન્ય સાગરિતો તથા નાણાંના વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરી છે.