સુરતના અધિક સેશન્સ જજ પિયુષ કુમાર અશોકભાઈ પટેલે ધી પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનીક્સ (PC&PNDT) એક્ટ હેઠળના ગુનામાં સજા સામે બે તબીબએ દાખલ કરેલી ફોજદારી અપીલ ના મંજૂર કરી ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખી આરોપી તબીબ ડો. શારદાબેન જે. ભારોલીયા અને ડો. જાદવજી એસ. ભારોલીયાને ૩ માસની સાદી કેદ અને રૂ. ૧,૦૦૦ના દંડની સજા માન્ય રાખી હતી.
આ કેસની વિગત એવી છે કે તા. ૧૬/૦૪/૨૦૧૧ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપ્રોપ્રિએટ ઓથોરીટી ડો. આર. કે. કંછલ દ્વારા સુરતના અઠવાલાઇન્સ, પાર્લે પોઈન્ટ સ્થિત આરોપીઓના ક્લિનિકમાં ઓચિંતી સર્ચ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન PC&PNDT એક્ટ્ની વિવિધ જોગવાઈઓનો ભંગ કરાયો હતો. જેમાં ક્લિનિકમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લગાવવાને બદલે ઘરે રાખવામાં આવ્યું હતું. ‘‘અત્રે સોનોગ્રાફી દ્વારા ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ કરવામાં આવતું નથી, આવું કરવું તે કાનૂની ગુનો છે” તેવા મતલબનું બોર્ડ ક્લિનિકમાં લગાડેલું નહોતું. સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી અંગેનું જરૂરી વિગતો વાળું રજિસ્ટર છેલ્લા બે વર્ષથી નિભાવવામાં આવ્યું નહોતું. સગર્ભા સ્ત્રીની સોનોગ્રાફી માટે ભરવા પાત્ર ફોર્મ-એફ ક્લિનિકમાં ઉપલબ્ધ નહોતા. દર ગુરુવારે સોનોગ્રાફી કરતા રેડિયોલોજિસ્ટ ડો. હીરેન પાઠક (DMRD) ની લાયકાત કે અન્ય વિગતોનો રેકોર્ડ ક્લિનિક ખાતે ઉપલબ્ધ ન હતી.
આ ક્ષતિઓ અંગે સંતોષકારક ખુલાસો ન મળતા તપાસ ટીમે પંચોની હાજરીમાં સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી બાદ ફરિયાદ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને તકસીરવાર ઠરાવી દરેકને ૩ માસની સાદી કેદ અને રૂ. ૧,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની સામે આરોપી બંને તબીબે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલ ના કામે સરકાર પક્ષે એપીપી દિગંત તેવર એ દલીલ કરી હતી. આ અપીલની સુનાવણી પૂર્ણ થયા બાદ સેશન્સ કોર્ટે રજૂઆત અને પુરાવાનુ મૂલ્યાંકન કરી ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખી અપીલ ફગાવી દીધી હતી. બંને આરોપીઓને ૧૫ દિવસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો હતો.