સ્પેશિયલ કોર્ટ (NDPS)નાં સેશન્સ જજ દેવેન્દ્ર સુરેશભાઈ જોષીએ પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા માદક પદાર્થના કેસમાં મુખ્ય આરોપી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડીયાળી યાકુબભાઈ પટેલને દોષિત ઠેરવી ૭ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે, જ્યારે અન્ય બે આરોપી અનીશ ખાન અબ્દુલ વાહીદ ખાન અને મોહમદ લઈક યુસુફ શેખને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટમાં ખોટી જુબાની આપનાર દરોડા વખતે રૂમમાં હાજર હોવા છંતા સાક્ષી આશાબેન ચંદુભાઈ મકવાણા ફરી જતાં કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે તા. ૨૪/૦૬/૨૦૨૪ના રોજ રાત્રિના સમયે ડીસીબી પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં નાસતા ફરતા આરોપી સરફરાજ પટેલ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પાલ ગૌરવપથ રોડ સ્થિત સેવીયોન શોપિંગ પેરેડાઈઝ ના ચોથા માળે આવેલી કાસા મરીના હોટલના રૂમ નં. ૪૦૪માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી આરોપી સરફરાજ પાસેથી ૨૮.૭૯૦ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ (કિંમત રૂ. ૨,૮૭,૯૦૦) તેમજ ૧.૯૩૦ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૧૯.૩૦), બે મોબાઈલ ફોન અને રોકડા રૂ. ૯,૨૮૦ મળી કુલ રૂ. ૩,૨૨,૧૯૯નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તપાસ દરમિયાન મુંબઈના અનીસખાન અને ઉત્તરપ્રદેશના મોહમદ લઈક યુસુફ શેખના નામ ખુલતા તેની સામે અલગ-અલગ પુરવણી ચાર્જશીટ રજૂ થઈ હતી અને ત્રણેય કેસની સંયુક્ત ટ્રાયલ ચાલી હતી. સરકાર પક્ષે એપીપી દિપેશ દવે એ ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી. આ કેસની ન્યાયિક કાર્યવાહી પુર્ણ થયા બાદ કોર્ટે આરોપી સરફરાજ પટેલને ૭ વર્ષની સખત કેદ અને રૂ. ૧.૩૦ લાખનો દંડ ફટકાર્યો હતો.