સુરત: GSTના વહીવટમાં આવતા વર્ષે મોટો ફેરફાર આવવાનો છે. 1 એપ્રિલ 2027થી CGST હેઠળ નોંધાયેલા લગભગ 70 લાખ કરદાતાઓ માટે ફેસલેસ એસેસમેન્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એડમિનિસ્ટ્રેશન શરૂ થઈ શકે છે. CBICના ચેરમેન વિવેક ચતુર્વેદીએ PHDCCIના કાર્યક્રમમાં આ અંગે સંકેત આપ્યો હતો.તેમણે કહ્યું કે, આ નવા માળખાનો મુસદ્દો થોડા સમયમાં જાહેર કરવામાં આવશે. વેપારીઓ, ઉદ્યોગકારો, CA અને ટેક્સ નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લીધા બાદ અંતિમ નિર્ણય લેવાશે.
મોટા બિઝનેસને શું ફાયદો?
અત્યારે અનેક રાજ્યોમાં રજિસ્ટ્રેશન ધરાવતી કંપનીએ અલગ-અલગ ઓફિસમાં જવું પડે છે. રજિસ્ટ્રેશન, રિટર્ન ચકાસણી, નોટિસ, વિવાદ અને અપીલ માટે જુદા-જુદા અધિકારીઓને મળવું પડે છે. નવી વ્યવસ્થામાં આવા કરદાતાઓને એક જ કેન્દ્રીય ઓફિસમાંથી તમામ સેવા મળશે. આશરે 2 લાખ કરદાતાઓ એવા છે જેમની પાસે એકથી વધુ જગ્યાએ GST નંબર છે. તેમને સૌથી વધારે રાહત મળશે.
નાના વેપારીને શું મળશે?
નાના વેપારી માટે ફેસલેસ આસિસ્ટન્સ સિસ્ટમ આવશે. નોટિસનો જવાબ, દસ્તાવેજ આપવા, સુનાવણી અને ઓર્ડરની પ્રક્રિયા ડિજિટલ રીતે થશે. વારંવાર કચેરીએ જવાની કે અધિકારીને રૂબરૂ મળવાની જરૂર નહીં પડે. નોટિસ, સુનાવણી અને આદેશ માટે રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર છે. તેનાથી કામમાં એકસૂત્રતા આવશે અને પારદર્શિતા વધશે. જોકે, હજુ આ માત્ર પ્રસ્તાવ છે. કયા કેસમાં કયા અધિકારી કાર્યવાહી કરશે, સુનાવણી કેવી રીતે થશે, તે મુસદ્દો આવ્યા બાદ જ ખબર પડશે.