સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતની આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલાં જ ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સરપંચ બાદ વોર્ડ સભ્યોની બેઠકોનું અનામત રોટેશન જાહેર થતાં અનેક ગામોમાં સ્થાનિક રાજકીય આગેવાનોની વર્ષોથી ચાલતી ચૂંટણીલક્ષી તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના ઓલપાડ, નઘોઈ અને સાયણ સહિતનાં ગામોમાં વોર્ડની અનામત બદલાતાં ચૂંટણી લડવા ઇચ્છુક આગેવાનો હવે નવા રાજકીય વિકલ્પો શોધી રહ્યા છે. બીજી તરફ ઔદ્યોગિક મહત્વ ધરાવતાં ગામોમાં પંચાયતની સત્તા મેળવવા માટે અત્યારથી જ રાજકીય ગોઠવણો શરૂ થઈ ગઈ છે.
અનામત રોટેશનમાં અનેક વોર્ડ મહિલા અને આદિજાતિ અનામત થતાં જે બેઠકો પરથી સ્થાનિક આગેવાનો ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં હવે સીધી ઉમેદવારી કરવી મુશ્કેલ બની છે. પરિણામે કેટલાક આગેવાનો પત્ની, માતા કે પરિવારના અન્ય સભ્યોને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની વિચારણા કરી રહ્યા છે. સરપંચ બનવાના સપનાં જોતા કેટલાક દાવેદારો હવે સલામત વોર્ડ શોધવા ઉપરાંત પોતાના માનીતા ઉમેદવારને સરપંચ બનાવી ઉપસરપંચ પદ મારફતે પંચાયતના વહીવટમાં પ્રભાવ જાળવી રાખવાના પ્રયાસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વિપક્ષની નબળી સક્રિયતાને કારણે કેટલીક ગ્રામ પંચાયતોમાં સમરસ ચૂંટણીની શક્યતા પણ ચર્ચાઈ રહી છે. અનામતના નવા સમીકરણો વચ્ચે વિરોધી દાવેદારોને ચૂંટણીના મેદાનથી દૂર રાખવાની રાજકીય વ્યૂહરચના અંગે પણ સ્થાનિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે.
ઔદ્યોગિક અને વ્યાપારી દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતાં ગામો ખાસ ચર્ચામાં
આગામી 31 માર્ચ 2027 સુધીમાં મુદત પૂર્ણ થતી સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયત વિસ્તારોની 490 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. કેટલીક જગ્યાએ પેટાચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીમાં ઔદ્યોગિક અને વ્યાપારી દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતાં ગામો ખાસ ચર્ચામાં છે. હજીરા, સુંવાલી, માંગરોળની ઝંખવાવ, માંગરોળ ગ્રુપ, ધામડોદ ગ્રુપ, કોસંબા, કામરેજની નવી પારડી, ધોરણ પારડી, વાવ, ઉભેળ, નવાગામ અને સણિયા કણદે જેવા ગામોમાં સત્તા મેળવવા રાજકીય હલચલ તેજ બની છે.
શ્રમિકો, રોજગારી, હોમસ્ટે, સરકારી યોજનાઓ તથા સ્થાનિક સંકલન જેવા મુદ્દાઓ મહત્ત્વપૂર્ણ બનશે
બારડોલી તાલુકાનાં બામણી અને બાબેન તથા પલસાણા તાલુકાનાં જોળવા, બગુમરા, હરિપુરા, બલેશ્વર, ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયત, વરેલી, પલસાણા અને તાતીથૈયામાં પણ ચૂંટણીલક્ષી ગોઠવણો શરૂ થઈ છે. ઔદ્યોગિક એકમોની નજીક આવેલા આ ગામોમાં બહારથી આવીને વસેલા શ્રમિકો, રોજગારી, હોમસ્ટે અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ, માળખાગત સુવિધાઓ, સરકારી યોજનાઓ તથા ઉદ્યોગો સાથેના સ્થાનિક સંકલન જેવા મુદ્દાઓ પંચાયતના વહીવટને મહત્ત્વપૂર્ણ બનાવે છે.