ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર સાત વર્ષ અગાઉ બનેલા મોબાઈલ સ્નેચિંગના કેસમાં સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી યોગેશ સુંપડુ બધાણેને દોષિત ઠરાવી ૭ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો, જ્યારે પુરાવાના અભાવે બીજા આરોપી રિયાઝ જાકીર અન્સારીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે એપીપી નિલેશ ગોળવાલાએ રજુઆત કરી હતી.
આ કેસની વિગત એવી છે કે તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રાત્રે આશરે ૯:૪૫ વાગ્યાના સુમારે ફરિયાદી સંતોષકુમાર અયોધ્યાપ્રસાદ ગુપ્તા પોતાના પિતાને સામાન સાથે ટ્રેનમાં બેસાડવા ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૩ પર ગયા હતા. ટ્રેનના એચ-૧૨ કોચ પાસે મુસાફરોની ભીડ અને ધક્કામુક્કી વચ્ચે બે શખ્સોએ ફરિયાદીના પેન્ટના ખિસ્સામાં થી મોબાઈલ ફોન ખેંચી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ‘ચોર-ચોર’ની બૂમો પાડતાં ફરજ પર હાજર પોલીસકર્મીઓએ બંનેને ઝડપી લીધા હતા અને આ મામલે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.સુરત રેલવે પોલીસે તપાસ બાદ ચાર્જશીટ રજૂ કરતાં કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો.
આરોપી યોગેશ સુંપડુ બધાણે, (રહે. લિંબાયત )ઘટનાસ્થળેથી ભાગતા ઝડપાયો હતો અને તેની અંગઝડતી દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પંચ સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં પોલીસ સાક્ષીઓ અને તપાસ અધિકારીની સુસંગત જુબાની તથા તાત્કાલિક રિકવરીના આધારે કોર્ટે તેને IPC કલમ ૩૭૯એ(૩) હેઠળ દોષિત ઠરાવ્યો હતો.આરોપી રિયાઝ જાકીર અન્સારી, (રહે. આઝાદ ચોક, લિંબાયત)ની અંગઝડતીમાં કોઈ મુદ્દામાલ મળ્યો ન હતો તેમજ ગુનામાં તેની સક્રિય ભાગીદારી કે મદદગારી અંગે નક્કર પુરાવાનો અભાવ હોવાથી કોર્ટે તેને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યો હતો.