સુરત મહાનગરપાલિકાના પરિશ્રમ (રાંદર) ઝોન વિસ્તારમાં આવેલ જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે રીનોવેશન, આધુનિકીકરણ, ઓપરેશન અને મરામત માટે સોંપવાના કામે બીજા પ્રયાસે મળેલ એકમાત્ર યોગ્ય ટેન્ડર અંગે મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે.
પ્રથમ પ્રયાસે ઈ-ટેન્ડર નોટિસ (એડી. સીટી ઈજનેર/વેસ્ટ ઝોન/૨૧/૨૦૨૫-૨૬, કામ નં. ૦૫) માં માત્ર એક જ ટેન્ડર આવતાં તે રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા પ્રયાસે ઈ-ટેન્ડર નોટિસ નં. એડી. સીટી ઈજનેર/વેસ્ટ ઝોન/૦૧/૨૦૨૬-૨૭ (કામ નં. ૦૩) દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. સમયમર્યાદામાં બે ટેન્ડરો મળ્યા હતા, બંનેએ ઈએમડી ભરી હતી, પરંતુ ક્વોલિફિકેશન અને ટેકનિકલ બીડમાં માત્ર એક ટેન્ડરર જ યોગ્ય ઠર્યા હતા.
યોગ્ય ઠરેલા ટેન્ડરર “ઓનિરોસ હોસ્પિટાલિટી”એ ૧૫ વર્ષના કોન્સેશન માટે કુલ રૂ. ૫૨ લાખ વત્તા લાગુ ટેક્સની ઓફર આપી છે. તેમાં વર્ષવાર વિગત આ પ્રમાણે છે:
- પહેલા ૧ વર્ષ: રૂ. ૨,૬૧,૦૦૦
- ૨થી ૫ વર્ષ: વાર્ષિક રૂ. ૩,૦૧,૦૦૦ (કુલ રૂ. ૧૨,૦૪,૦૦૦)
- ૬થી ૧૦ વર્ષ: વાર્ષિક રૂ. ૩,૪૭,૦૦૦ (કુલ રૂ. ૧૭,૩૫,૦૦૦)
- ૧૧થી ૧૫ વર્ષ: વાર્ષિક રૂ. ૪,૦૦,૦૦૦ (કુલ રૂ. ૨૦,૦૦,૦૦૦)
જો ૧૫ વર્ષ બાદ વધારાના ૫ વર્ષ માટે કાળવવામાં આવે તો વાર્ષિક રૂ. ૪,૬૦,૦૦૦ના દરે વધુ રૂ. ૨૩ લાખ મળશે. આમ કુલ ૨૦ વર્ષ માટે ઓફર રૂ. ૭૫ લાખ વત્તા લાગુ ટેક્સની થાય છે.
પરિશ્રમ (રાંદર) ઝોનનો આ બાબતે હકારાત્મક અભિપ્રાય છે. દરખાસ્તમાં જણાવ્યા અનુસાર, કામગીરી સોંપવાના હુકમ બાદ ૧૨ મહિનાની અંદર રીનોવેશન અને આધુનિકીકરણ પૂર્ણ કરવામાં આવે તો પ્રથમ વર્ષનો કોન્સેશન સમયગાળો તે તારીખથી ગણાશે. જો સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો ૧૩મા મહિનાથી પ્રીમિયમની ચુકવણી શરૂ કરવાની રહેશે.