કોમન ઇન્ટ્રો : શહેરમાં જુદા જુદા પ્રલોભનો અને ઊંચા વળતરની લાલચ આપી ઠગાઇ કરવાના કિસ્સા બનતા હતાં. ખાસ કરીને વિદેશમાં નોકરીના નામે ઠગાઇના કિસ્સા બનતા જ હતા પરંતુ હવે તો નાના નાના નગર સુધી પણ આ બદી પહોંચી ગઇ છે. કેટલાક લોકો તો દેવું કરીને રૂપિયા લાવે છે તો કેટલાંક જીવનભરની કમાણી ગુમાવી દે છે. દક્ષિણ ગુજરાતમાં આવા બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાની લાલચે ડાંગના નિવૃત્તે ૧૦.૩૮ લાખ ગુમાવ્યાં
સાપુતારા : ડાંગના વઘઈ તાલુકાના માછળી ગામમાં રહેતા અને એસઆરપીમાંથી નિવૃત્ત થયેલા જયરામભાઈ કાળુભાઈ બાગુલ સાથે ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અપાવવાના બહાને ૧૦.૩૮ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના ઈમિગ્રેશન એજન્ટ હિતેશભાઈ નગીનભાઈ પટેલે વિદેશમાં નોકરીની તક ઊભી કરવાની ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હતો. અગાઉ દીકરાને આયર્લેન્ડ મોકલવા માટે બેંક બેલેન્સની વ્યવસ્થા કરી આપનાર એજન્ટ સાથેના વિશ્વાસનો લાભ લઈને ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા માટે પરિવારના બે સભ્યો અને જમાઈ સહિત કુલ ત્રણ લોકોને વિદેશ મોકલવાની વાત કરવામાં આવી હતી. એજન્ટે દરેક વ્યક્તિ દીઠ ૨ લાખ રૂપિયા ખર્ચ થશે તેમ જણાવી જુદા-જુદા બેંક ખાતાઓમાં UPI મારફતે રકમ જમા કરાવવા જણાવ્યું હતું. ફરિયાદીએ પોતાના GPF ફંડમાંથી નાણાં ઉપાડીને શરૂઆતમાં ૩ લાખ રૂપિયા બેંક ઓફ બરોડાના ખાતામાં અને ત્યારબાદ બીજા ૩ લાખ રૂપિયા અન્ય ખાતામાં UPI દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત મેડિકલ, ફાઈલ ચાર્જ તથા અન્ય ખર્ચના નામે વધુ રકમ પડાવવામાં આવી હોવાનો આક્ષેપ છે, જેના કારણે કુલ ૧૦.૩૮ લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ રકમ એજન્ટ હિતેશભાઈ નગીનભાઈ પટેલ, તેમના પત્ની શિવાંગીબેન (મૂળ ગામ બરેજા, તા. લેકોઈ, જી. અમદાવાદ) તેમજ ઓફિસના કર્મચારીઓના ગૂગલ પે અને ફોન પે મારફતે મોકલવામાં આવી હતી.
પરિવારના સારા ભવિષ્યની આશાએ નિવૃત્તિની મૂડી અને મહેનતની કમાણી ગુમાવનાર નિવૃત્ત જવાને આ મામલે ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ વઘઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેની આગળની તપાસ PSI એસ.સી. ગામિત ચલાવી રહ્યા છે.
તલાટીની નોકરીની લાલચે રૂપિયા ૫.૬૫ લાખની ઠગાઈનો આરોપી ઝડપાયો
વાંસદા: વાંસદાનાં ધરમપુરીનાં યુવાનને તલાટી કમ મંત્રીની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ૫.૬૫ લાખની છેતરપિંડી કરવાના કેસમાં આરોપીને વાંસદા પોલીસે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઢોલખાખરા ગામેથી ઝડપી પાડ્યો હતો.
વાંસદા તાલુકાના ધરમપુરી ગામે રહેતો ભાવિન જીવણભાઈ પટેલને જીગર વાદી (રહે. ઢોલખાખરા તા. ખાનપુર, જિ.મહીસાગર)એ પોતાની અધિકારીઓ સાથે સારી ઓળખાણ હોવાનું જણાવી તલાટી કમ મંત્રીની સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વોટ્સએપ પર મેસેજ અને ફોન કોલ કરીને ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. આ રીતે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા ૫,૬૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં ભાવિન પટેલે ગુનો નોંધાવ્યો હતો. જે બાબતે વાંસદા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામી દ્વારા પોલીસ સ્ટેશનના ઓ.પી., બીટ અને સર્વેલન્સ સ્ટાફને આઇ.ટી. એક્ટના ગુનાઓમાં સંડોવાયેલા તથા ફરાર આરોપીઓ ઉપર સતત નજર રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા મહીસાગર સુધી પહોંચી પોલીસે આરોપીને શોધવા માટે સઘન તપાસ હાથ ધરી હતી. જોકે શરૂઆતમાં આરોપી મળી આવ્યો ન હતો. ત્યારબાદ વાંસદા પોલીસ ટીમે મળેલી બાતમીનું વિશ્લેષણ કરી તપાસની દિશા આગળ વધારી હતી. દરમિયાન પોલીસે ટેક્નિકલ માહિતી અને બાતમીના આધારે તપાસનો દોર મહીસાગર જિલ્લા સુધી લંબાવ્યો હતો. અંતે વાંસદા પોલીસની ટીમે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઢોલખાખરા ગામે કાર્યવાહી કરી આરોપી જીગર વાદીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
એજન્ટ અને કંપનીની ખરાઈ આ રીતે કરવી જોઈએ
લાયસન્સ તપાસો: કોઈપણ રિક્રુટિંગ એજન્ટ પાસે સરકાર માન્ય માન્યતાપત્ર અથવા લાયસન્સ છે કે નહીં તેની ખાતરી કરો. બિન-અધિકૃત એજન્ટો સાથે વ્યવહાર ટાળો.
કંપનીનું અસ્તિત્વ: જે વિદેશી કંપનીમાં નોકરીનો દાવો કરવામાં આવે છે, તેની સત્તાવાર વેબસાઈટ, સરનામું અને કામગીરી સ્વતંત્ર રીતે તપાસો. માત્ર સોશિયલ મીડિયાની જાહેરાતો કે ફોરવર્ડ મેસેજ પર વિશ્વાસ ન કરો.
ભૂતકાળ અને સમીક્ષા: એજન્ટ અથવા કન્સલ્ટન્સી વિશે અગાઉ નોકરી મેળવી ચૂકેલા લોકોનો અનુભવ કે કોઈ ફરિયાદ નોંધાયેલી છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરો.