નવસારી : નવસારી તાલુકાના અડદા ગામની હદમાં આવેલા કુદરતી કાંસ અને કોતરો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ હવે ઉગ્ર બની છે. નવસારીમાં નિરાલી હોસ્પિટલના વધારાના અને ગેરકાયદે બાંધકામ સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ અડદા વિસ્તારમાં કુદરતી વરસાદી પાણીના વહેણને અવરોધતા દબાણો સામે પણ કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી છે. આ મુદ્દે ગુરુવારે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી, કાલિયાવાડી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવનાર છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અડદા ગામની હદમાં આવેલા કુદરતી કાંસ અને કોતરો પર કેટલાક સ્થળોએ પાકી દિવાલો તથા અન્ય બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ બાંધકામની કામગીરી ચાલુ હોવાનો આક્ષેપ છે. આ દબાણોને કારણે વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ સર્જાતો હોવાની ફરિયાદ છે.
ગત ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યાના કારણે વાડા ગામના લુહારવાસ, વિશાલનગર, વ્રજવિહાર સોસાયટી સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ઘરોમાં ઘૂસી જતાં રહીશોને ઘરવખરીના નુકસાન સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા હવે કુદરતી કાંસ અને કોતરોને દબાણમુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે.
રજૂઆતમાં મહેસૂલ વિભાગ, સિંચાઈ વિભાગ, જમીન માપણી વિભાગ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવી સરકારી રેકર્ડના આધારે સ્થળ તપાસ કરવાની માંગ કરવામાં આવશે. સાથે જ કુદરતી વહેણ પર થયેલા દબાણો અને પાકી દિવાલોની કાયદેસરતા તપાસી નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવા, ગેરકાયદે બાંધકામોને નોટિસ આપી દૂર કરવા તેમજ જ્યાં હાલમાં બાંધકામ ચાલી રહ્યું હોય ત્યાં તાત્કાલિક રોક લગાવવાની માંગ પણ કરવામાં આવશે.
વરસાદી પાણીના કુદરતી માર્ગો પર ભવિષ્યમાં ફરી દબાણ ન થાય અને આસપાસના રહેણાંક વિસ્તારોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળે તે માટે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ સાથે સ્થાનિકો હવે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા છે.