સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળા-૩૦ માં 'સંવિધાન ગૌરવ દિવસ' નિમિત્તે ભાજપના ખેસ અને બેનર સાથે વિદ્યાર્થીઓને જોડીને યોજાયેલા કાર્યક્રમ સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
સુરત શહેર વોર્ડ નં. ૧૬ પુણા ગામ વિસ્તારમાં સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પક્ષના ખેસ અને બેનર સાથે રાખીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનો અસલમ સાયકલવાલા અને સુરેશ સુહાગીયા દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે આ ઘટનાને અયોગ્ય ગણાવી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
સરકારી પરિપત્રના ઉલ્લંઘનનો આક્ષેપ
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિપત્ર મુજબ શાળાઓમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી સાથે કોઈપણ કાર્યક્રમ કરતા પહેલા સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. ત્યારે શાળામાં આ પ્રકારના રાજકીય કાર્યક્રમ માટે મંજૂરી કોણે આપી તે અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
પોક્સો હેઠળ ફરિયાદ અને આચાર્ય સામે કાર્યવાહીની માંગ
અસલમ સાયકલવાલા અને સુરેશ સુહાગીયાએ વધુમાં માંગ કરી છે કે, જો શાળાના આચાર્ય દ્વારા આ કાર્યક્રમ માટે અગાઉથી મંજૂરી આપવામાં ન આવી હોય, તો તેમણે સરકારના પરિપત્ર મુજબ સ્થાનિક ભાજપના આગેવાનો વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવવી જોઈએ. આ ઉપરાંત, જો આચાર્ય દ્વારા નિયમોનું પાલન કર્યા વિના મંજૂરી આપવામાં આવી હોય, તો શાળાના આચાર્ય સામે પણ તાત્કાલિક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.