પાંડેસરા વિસ્તારમાં ગુ.હા.બોર્ડ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાંથી અજાણ્યા તસ્કરો બેટરી અને ઇન્વેટરની ચોરી કરી ફરાર થઈ ગયા છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાઈડના દરવાજાનું લોક ખરાબ હોવાથી લોક મારવામાં આવ્યું ન હતું, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ આશરે રૂ. ૯,૦૦૦ની મતા ચોરી હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મૂળ દાહોદ જિલ્લાના શિંગવડ તાલુકાના જાલીયાપડા ગામના વતની અને હાલ સુરતના ઉધના ખાતે સત્યનગરમાં સર્વોત્તર રેસ્ટોરન્ટની બાજુમાં ભાડાની રૂમમાં રહેતા પ્રવિણભાઈ સુરમલભાઈ ભુરીયા (ઉં.વ. ૩૨) છેલ્લા ત્રણેક મહિનાથી પાંડેસરા ડિવિઝનમાં ૧૦૮ એમ્બ્યુલન્સ (રજી. નં. GJ-18-GB-2552) પર ડ્રાઈવર (પાયલોટ) તરીકે ફરજ બજાવે છે. હાલ આ એમ્બ્યુલન્સ સિંગલ શિફ્ટમાં સવારે ૮:૦૦થી રાત્રિના ૮:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે, જેમાં તેમની સાથે ઇએમટી તરીકે ફાલ્ગુનીબેન ફરજ પર હોય છે.
ગત તા. ૨૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે ફરજ પૂર્ણ કર્યા બાદ પ્રવિણભાઈએ એમ્બ્યુલન્સ પાંડેસરા ગુ.હા.બોર્ડ ખાતે પાણીની ટાંકી નજીક આવેલા કોમ્યુનિટી હોલની સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. ડ્રાઈવર સાઈડના દરવાજાનું લોક ખરાબ હોવાથી ગાડી લોક કર્યા વિના તેઓ ઘરે ગયા હતા.બીજા દિવસે તા. ૨૩ નવેમ્બરના રોજ સવારે ૮:૦૦ વાગ્યે નોકરી પર આવી સફાઈ દરમિયાન ડ્રાઈવર સીટ નીચે લગાવેલું લુમીનોઝ કંપનીનું ઇન્વેટર (કિંમત આશરે રૂ. ૫,૦૦૦) અને ડાબી બાજુ ખાલી સીટ નીચે રહેલી એક્સાઈડ કંપનીની બેટરી (કિંમત આશરે રૂ. ૪,૦૦૦) ગાયબ જોવા મળી હતી. વાહનોની દેખભાળ કરતા દિલીપભાઈને જાણ કરી પોતાની રીતે શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પ્રવિણભાઈએ અજાણ્યા ચોર વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.