લિંબાયત વિસ્તારના મદનપુરા ખાતે આવેલા અંબિકાનગરમાં સામાન્ય સફાઈ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ૬૧ વર્ષીય વૃદ્ધાએ ડાબી આંખની દ્રષ્ટિ કાયમી ગુમાવવાનો વારો આવ્યો છે.ઘર સામે સફાઈ દરમિયાન પાણી ન ઉડે તેવું કહેવા માત્રથી ઉશ્કેરાયેલા પાડોશી દંપતીએ મારઝૂડ કરતા આ ગંભીર ઘટના બની હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાની સર્જરી બાદ તબીબોએ ડાબી આંખની દ્રષ્ટિ કાયમી જતી રહી હોવાનું જણાવતા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સિનખેડા તાલુકાના પડાવત ગામના વતની અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં મદનપુરા સ્થિત અંબિકાનગરમાં પોતાના મકાનમાં રહેતા ભીકુબેન યોગરાજભાઈ પવાર (ઉં.વ. ૬૧) ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિ યોગરાજભાઈનું આશરે પાંચ વર્ષ અગાઉ અવસાન થયું છે. પરિવારમાં બે પરિણીત પુત્રીઓ સીમાબેન અને કલ્પનાબેન સાસરીમાં રહે છે, જ્યારે સૌથી નાનો પુત્ર અનીલ (ઉં.વ. ૩૬) ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને તેની પત્ની પ્રિયંકા (ઉં.વ. ૩૨) તથા પુત્ર રૂત્વીક (ઉં.વ. ૧૨) સાથે માતા ભીકુબેનના ઘરે જ રહે છે.ગત તા. ૨૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે ભીકુબેન અને તેમનો પુત્ર અનીલ ઘરે હાજર હતા. તે દરમિયાન અનીલ કામ પર જવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. ઘરની સામેની ગલીમાં રહેતા અંજુબેન પ્રસાંતભાઈ માળી પાણી છાંટીને સાફ-સફાઈ કરી રહ્યા હતા.
અનીલે ત્યાંથી પસાર થતી વખતે પાણી ન ઉડે તે રીતે સફાઈ કરવાનું કહેતા અંજુબેન ઉશ્કેરાઈ ગયા હતા અને અનીલ સાથે ઊંચા અવાજે બોલાચાલી કરવા લાગ્યા હતા. બોલાચાલીનો અવાજ સાંભળી ભીકુબેન ઘરની બહાર આવ્યા હતા અને અંજુબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંજુબેન તેમની સાથે પણ ઝઘડવા લાગ્યા હતા. આ દરમિયાન અંજુબેનના પતિ પ્રસાંતભાઈ માળી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને માતા-પુત્ર સાથે બોલાચાલી કરી બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા.ઝઘડો વધુ ઉગ્ર બનતા પ્રસાંતભાઈએ અનીલને પેટના ભાગે મુક્કા માર્યા હતા. તેમને છોડાવવા અને સમજાવવા વચ્ચે પડેલા ભીકુબેન સાથે અંજુબેને ઝપાઝપી કરી મોઢાના ભાગે મુક્કા માર્યા હતા. આ મુક્કો ભીકુબેનની ડાબી આંખના ભાગે વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અંજુબેન અને પ્રસાંતભાઈ ત્યાંથી જતા રહ્યા હતા.લોહીલુહાણ હાલતમાં અનીલ તાત્કાલિક માતા ભીકુબેનને રિક્ષા મારફતે રાંદેર સ્થિત આઈ.ક્યુ. હોસ્પિટલ લઈ ગયો હતો.ત્યાંથી વધુ સારવાર અર્થે પીપલોદ ખાતે ખસેડાયા હતા, જ્યાં તબીબોએ ડાબી આંખની સર્જરી કરી હતી. સર્જરી બાદ તબીબોએ ડાબી આંખની દ્રષ્ટિ કાયમી ધોરણે જતી રહી હોવાનું જણાવતા ભીકુબેને પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અંજુબેન પ્રસાંત માળી અને પ્રસાંત માળી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.