શહેર અને જિલ્લામાં બ્રેઈન સ્ટ્રોક (લકવા)ના કેસોમાં થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. સ્ટ્રોકના દર્દીઓ માટે સમયસર નિદાન અને સારવાર અત્યંત મહત્ત્વની હોય છે, ત્યારે આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલના મોંઘા સારવાર ખર્ચના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે 12 બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ડેડિકેટેડ બ્રેઈન સ્ટ્રોક ICU શરૂ કરવામાં આવ્યું છે.
સરકારી હોસ્પિટલમાં શરૂ થયેલી આ સુવિધા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે. બ્રેઈન સ્ટ્રોક અને ખેંચ જેવી ગંભીર તકલીફોમાં સારવાર માટેની પ્રથમ 4થી 5 કલાકનો સમય તબીબી ભાષામાં 'ગોલ્ડન અવર' તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં યોગ્ય સારવાર મળે તો દર્દીને કાયમી ખોડખાંપણ અને જીવના જોખમથી બચાવી શકાય છે. આ જ હેતુથી નવી સિવિલમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ 6-6 બેડના બે ICU તૈયાર કરવામાં આવ્યા છે. તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ન્યુરોસર્જરી વિભાગના ડો. મેહુલ મોદી, ન્યુરોલોજી વિભાગના ડો. હરેશ પારેખ સહિતના તબીબો અને નર્સિંગ સ્ટાફના સહયોગથી આ યુનિટ કાર્યરત કરાયું છે. ખાનગી ક્ષેત્રની મોંઘી સારવાર પરવડી ન શકતા દર્દીઓને સરકારી વ્યવસ્થામાં જ નિષ્ણાત અને સમયસર સારવાર મળી રહે તે દિશામાં આ સુવિધા મહત્ત્વનું પગલું બની રહેશે.
૨૪ કલાક નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જનની ટીમ તહેનાત
આ ICUમાં 24 કલાક નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જનની ટીમ ઉપલબ્ધ રહેશે. ખેંચના નિદાન માટે EEG, હાથ-પગની નસોની નબળાઈ તપાસવા EMG-NCV તેમજ ઊંઘ સંબંધિત તકલીફો માટે પોલિસોમ્નોગ્રાફી અને સ્લીપ સ્ટડીની સુવિધા પણ મળશે. લોહીની ગાંઠ ઓગાળવાની થ્રોમ્બોલાયસિસ સારવાર સહિત અદ્યતન મોનિટરિંગ અને વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.