‘ટાઇમ્ડ આઉટ’ના નિયમ હેઠળ ડિએન્ડ્રા ડોટિન આઉટ, બોલ રમ્યા વિના જ પેવેલિયન પરત
WBBLના ઇતિહાસમાં પ્રથમ વખત આ નિયમ હેઠળ બેટર આઉટ થઈ; મેલબર્ન રેનેગેડ્સે છેલ્લી બોલે બ્રિસ્બેન હીટને હરાવ્યું
મેલબર્ન રેનેગેડ્સે મહિલા બિગ બેશ લીગ (WBBL)ની રોમાંચક મેચમાં બ્રિસ્બેન હીટને ત્રણ વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જોકે, આ મેચમાં ડિએન્ડ્રા ડોટિનની વિકેટે ખાસ ચર્ચા જગાવી હતી. WBBLમાં પ્રથમ વખત કોઈ ખેલાડી ‘ટાઇમ્ડ આઉટ’ના નિયમ હેઠળ આઉટ થઈ હતી. ડોટિન નિર્ધારિત સમયમાં બેટિંગ માટે તૈયાર ન થતાં બોલ રમ્યા વિના જ પેવેલિયન પરત ફરી હતી.
બ્રિસ્બેન હીટે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં રેનેગેડ્સની ટીમ એક સમયે 4 વિકેટે 97 રન સાથે મજબૂત સ્થિતિમાં હતી. જોકે, સારાહ ગ્લેને જ્યોર્જિયા વેરહામને આઉટ કર્યા બાદ ડોટિન બેટિંગ કરવા આવી હતી. પરંતુ તે સમયસર આગામી બોલનો સામનો કરવા તૈયાર થઈ શકી નહોતી.
WBBLના નિયમ મુજબ, વિકેટ પડ્યા બાદ નવા બેટરે 75 સેકન્ડની અંદર આગામી બોલ રમવા માટે તૈયાર થવું જરૂરી છે. આ નિયમ હેઠળ જો બેટર સમયસર તૈયાર ન થાય, તો તેને સ્ટમ્પથી દૂર ઊભા રહેવું પડે છે. ત્યારબાદ વિરોધી ટીમના બોલરને બેટર વિના સ્ટમ્પ પર બોલ ફેંકવાની તક મળે છે. સારાહ ગ્લેને આ તકનો લાભ લીધો અને સીધો સ્ટમ્પ પર બોલ મારી દીધો. પરિણામે ડોટિન બોલ રમ્યા વિના જ બોલ્ડ થઈ હતી.
આ નિયમ 2021-22ની સિઝનમાં લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ અગાઉ તેનો અમલ થયો નહોતો. ફોક્સ ક્રિકેટના કોમેન્ટેટર કોર્બિન મિડલમસે આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી હતી. બીજી તરફ, બ્રિસ્બેન હીટની બેટર ગ્રેસ હેરિસે કહ્યું હતું કે વ્યાવસાયિક ક્રિકેટમાં ખેલાડીઓએ નિયમોની જાણકારી રાખવી જોઈએ અને સમયમર્યાદાનું પાલન કરવું જોઈએ.
છેલ્લી બોલે રેનેગેડ્સનો રોમાંચક વિજય
ડોટિનની વિકેટ બાદ રેનેગેડ્સની સ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. જોકે, ટીમે હાર ન માની અને અંતિમ ઓવરમાં નવ રનની જરૂરિયાત વચ્ચે છેલ્લી બોલે લક્ષ્યાંક હાંસલ કરી લીધો. એની વિકમેન પાંચ બોલમાં અણનમ આઠ રન બનાવી ટીમને જીત અપાવવામાં સફળ રહી હતી. તેણે બ્રિસ્બેનની ઇનિંગ્સ દરમિયાન ત્રણ કેચ પણ ઝડપ્યા હતા.
આ પહેલાં રેનેગેડ્સની સોફી મોલિન્યૂએ શાનદાર બોલિંગ કરતાં 20 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે ચાર્લી નોટ (15) અને ગ્રેસ હેરિસ (0)ને બોલ્ડ કર્યા હતા. ત્યારબાદ ત્રણ બોલમાં વધુ બે વિકેટ મેળવી બ્રિસ્બેનની રનગતિ પર અંકુશ લગાવ્યો હતો. આ પ્રદર્શન સાથે તે રેનેગેડ્સની સર્વકાલીન સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની હતી.
આ જીત સાથે રેનેગેડ્સ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી છે. જોકે, ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શનિવારે મેલબર્ન સ્ટાર્સ સામેની આગામી મેચ જીતવી તેના માટે જરૂરી રહેશે.