CJPના મુખ્ય ચહેરાઓ પૈકીના એક એવા સૌરવ દાસ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોની નજીક હોવાનું માનવામાં આવે છે. સૌરવને 27 નવેમ્બરના રોજ યોજાનારા ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનું હતું. આ કાર્યક્રમ દરમિયાન સૌરવ 'CJP મૂવમેન્ટ' વિશે વાત કરશે એવું મનાતું હતું. પરંતુ કેદ્ર સરકારે આ વિદેશ પ્રવાસ પર રોક લગાવી હતી. તેમને દિલ્હી એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર પર જ રોકી દેવાયા હતા. એ પછી આંખ મામલો કોર્ટને દ્વાર પહોંચ્યો છે.
લુકઆઉટ સર્ક્યુલર (LOC) એટલે શું?
કેન્દ્ર સરકારે આજે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર સૌરવ દાસ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યું છે. વિદેશ પ્રવાસ કરવા પર રોક લગાવવાના નિર્ણયને પડકારતી સૌરવ દાસની અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ માહિતી આપી હતી.
લુકઆઉટ સર્ક્યુલર એટલે એક પ્રકારની સરકારી ચેતવણી. ઇમિગ્રેશન વિભાગ દ્વારા દેશનાં એરપોર્ટ અને અન્ય પ્રવેશ તથા બહાર નીકળવાના સ્થળો પર આ ચેતવણી મોકલવામાં આવે છે.
તેનો હેતુ ગુનાહિત પ્રવૃત્તિના આરોપી અથવા કાનૂની કેસમાં નામ ધરાવતા વ્યક્તિને દેશ છોડીને વિદેશ જતાં અટકાવવાનો હોય છે.
કેન્દ્ર સરકારે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે સૌરવ દાસના પાસપોર્ટમાં કેટલીક વિસંગતતાઓ (ભૂલ અથવા અસંગત વિગતો) છે, જે તેમની ભારતીય નાગરિકતા પર પણ અસર કરી શકે છે. વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, ચેન્નાઈની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ સોમવારે સૌરવ દાસને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં તેમના પાસપોર્ટમાં જન્મસ્થળ અંગેની વિગતોમાં રહેલી વિસંગતતાઓ અંગે એક અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવાયું હતું.
જોકે, સૌરવ દાસના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને આવા કોઈ લુકઆઉટ સર્ક્યુલર વિશે જાણ કરવામાં આવી નથી.
સૌરવ દાસે સરકાર પર શું આરોપ લગાવ્યો?
સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સૌરવ દાસે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેમને વિદેશ જતાં રોકી રહી છે, જેથી તેઓ વિદેશી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનો પક્ષ રજૂ ન કરી શકે.