બિહારના બહુચર્ચિત IAS અધિકારી જી. કૃષ્ણૈયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતાં પૂર્વ સાંસદ આનંદ મોહનની સમયપૂર્વ મુક્તિ રદ કરી દીધી છે. ગુરુવારે, 26 નવેમ્બર 2026ના રોજ ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે આનંદ મોહનને એક મહિનાની અંદર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બિહાર સરકાર દ્વારા એપ્રિલ 2023માં સજા માફી નીતિમાં કરવામાં આવેલા સુધારાને પણ ગેરબંધારણીય ગણાવી રદ કર્યો છે. આ સુધારાને કારણે જ આનંદ મોહનની જેલમાંથી વહેલી મુક્તિનો માર્ગ ખુલ્યો હતો.
આ ચુકાદો જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની ખંડપીઠે દિવંગત IAS અધિકારીની પત્ની ઉમા કૃષ્ણૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને અને પીડિત પરિવારને સાંભળ્યા બાદ આનંદ મોહનની સજા માફી અંગે નવેસરથી વિચાર કરી શકે છે.
આ ઘટના ડિસેમ્બર 1994ની છે. તે સમયે જી. કૃષ્ણૈયા બિહારના ગોપાલગંજના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા હતા. મુઝફ્ફરપુરમાં ગેંગસ્ટર છોટન શુક્લાની અંતિમયાત્રા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ તેમના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટોળાએ જી. કૃષ્ણૈયાને માર મારીને તેમની હત્યા કરી હતી. તે સમયે આનંદ મોહન ધારાસભ્ય હતા અને તેમના પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે 5 ઓક્ટોબર, 2007ના રોજ આનંદ મોહનને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, પટના હાઈકોર્ટે 10 ડિસેમ્બર, 2008ના રોજ ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. સુપ્રીમ કોર્ટે પણ જુલાઈ 2012માં આ નિર્ણયને માન્ય રાખ્યો હતો.
બિહારની અગાઉની સજા માફી નીતિ મુજબ ફરજ પર હાજર સરકારી કર્મચારીની હત્યાના દોષિતોને ઓછામાં ઓછી 20 વર્ષની સજા પૂર્ણ કર્યા વિના સમય પહેલાં મુક્તિ મેળવવાની પાત્રતા મળતી નહોતી. જોકે, બિહાર સરકારે 10 એપ્રિલ, 2023ના રોજ બિહાર જેલ મેન્યુઅલ, 2012ના નિયમ 481(1)(એ)માં સુધારો કર્યો હતો. આ ફેરફારથી ફરજ પરના સરકારી કર્મચારીની હત્યાના દોષિતોને પણ સજા માફી માટે પાત્ર બનાવવામાં આવ્યા હતા. આ સુધારાના આધારે આનંદ મોહનને આશરે 14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ એપ્રિલ 2023માં મુક્ત કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે બિહાર સરકારના એપ્રિલ 2023ના સુધારાને મનસ્વી ગણાવ્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે કોઈ સ્પષ્ટ હેતુ કે કાયદેસર જાહેર હિત સાબિત કર્યા વિના સજા માફી નીતિમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આ સુધારા પાછળનો તર્કસંગત અને કાયદેસરનો હેતુ સમજાવવામાં નિષ્ફળ રહી હતી. આથી કોર્ટે ઠરાવ્યું કે સુધારો બંધારણના અનુચ્છેદ 14 હેઠળના સમાનતાના અધિકાર અને અનુચ્છેદ 21 હેઠળના જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે 10 એપ્રિલ, 2023ની સુધારા અંગેની સૂચના અને આનંદ મોહનને સમય પહેલાં મુક્ત કરવાના આદેશ બંને રદ કર્યા હતા.
દિવંગત અધિકારીનાં પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનની સમયપૂર્વ મુક્તિ અને બિહાર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સજા માફીનો નિર્ણય લેતી વખતે જેલમાં દોષિતના વર્તન અને તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની યોગ્ય તપાસ કરવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સજા માફી અંગે નિર્ણય લેતાં પહેલાં પીડિત પરિવારને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવી અનિવાર્ય છે. જોકે, પરિવારના વાંધાને અંતિમ વીટો તરીકે ગણી શકાય નહીં. એટલે કે, પરિવારનો વિરોધ હોવા છતાં રાજ્ય સરકાર કાયદા અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને સજા માફી અંગે નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આનંદ મોહન એક મહિનાની અંદર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરે તે જરૂરી છે. તેઓ આત્મસમર્પણ કરે અથવા સત્તાવાળાઓ તેમને કસ્ટડીમાં લે ત્યાર બાદ જ રાજ્ય સરકાર સજા માફી અંગેની નવી પ્રક્રિયા શરૂ કરી શકશે. આમ, હાલ પૂરતી આનંદ મોહનની સમયપૂર્વ મુક્તિ રદ થઈ છે અને તેમને ફરી જેલમાં જવું પડશે.