ઉત્તર કોરિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે રાજદ્વારી તણાવ ઊભો થયો છે. ઉત્તર કોરિયાએ પ્યોંગયાંગમાં સ્વિટ્ઝર્લેન્ડની રાજદ્વારી કચેરી બંધ કરવાનો આદેશ આપ્યો છે અને તેના પ્રતિનિધિને 48 કલાકની અંદર દેશ છોડી દેવા જણાવ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડે ઉત્તર કોરિયાના એક ચિલ્ડ્રન્સ કેમ્પને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યા બાદ આ વિવાદ વકર્યો છે. ઉત્તર કોરિયાએ સ્વિસ સરકારના આ નિર્ણયને પોતાની સામેની દુશ્મની ગણાવ્યો છે.
આ ઘટનાએ એટલા માટે પણ ધ્યાન ખેંચ્યું છે કે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ થોડા અઠવાડિયા પહેલાં જ સ્વિટ્ઝર્લેન્ડે પ્યોંગયાંગમાં પોતાની સહયોગ કચેરી ફરી શરૂ કરી હતી. બંને દેશો વચ્ચે સંપર્ક અને સંવાદ ફરી શરૂ થવાની આશા જાગી હતી, પરંતુ ચિલ્ડ્રન્સ કેમ્પ પરના પ્રતિબંધ બાદ સંબંધોમાં ફરી તણાવ જોવા મળી રહ્યો છે.
આ વિવાદના કેન્દ્રમાં પૂર્વી ઉત્તર કોરિયાના વોન્સન શહેરમાં આવેલો 'સોંગડોવોન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ કેમ્પ' છે. આ કેમ્પમાં રશિયા અને ચીન સહિતના દેશોના બાળકો ભાગ લેતા કાર્યક્રમો યોજાય છે. સ્વિટ્ઝર્લેન્ડે આ કેમ્પને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યો છે. સ્વિસ અધિકારીઓનો આરોપ છે કે રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન વિસ્તારોમાંથી બાળકોને ઉત્તર કોરિયા લઈ જવાની પ્રવૃત્તિમાં આ કેમ્પની ભૂમિકા રહી છે. આ બાળકોને ત્યાં રશિયા તરફી પ્રચારનો સામનો પણ કરવો પડ્યો હોવાના આક્ષેપો છે. જોકે, ઉત્તર કોરિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
આ મામલો રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલો છે. આ પહેલાં બ્રિટન અને યુરોપિયન સંઘે પણ આ કેમ્પ પર પ્રતિબંધો લગાવ્યા હતા. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે સ્વિટ્ઝર્લેન્ડના નિર્ણયની ટીકા કરતાં તેને ખુલ્લી દુશ્મની અને ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમના નિવેદન બાદ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે સ્વિસ રાજદ્વારી કચેરીના પ્રમુખ સિલ્વેન એસ્ટિયરને બોલાવ્યા હતા અને તેમને કચેરી બંધ કરવા અંગેનો મેમો સોંપ્યો હતો.
ઉત્તર કોરિયાએ સ્વિસ પ્રતિનિધિને 'પર્સોના નોન ગ્રાટા' જાહેર કર્યા છે. રાજદ્વારી ભાષામાં તેનો અર્થ એવો થાય છે કે કોઈ દેશ અન્ય દેશના રાજદ્વારીને પોતાના દેશમાં રહેવા માટે સ્વીકારતો નથી. આ નિર્ણય મુજબ સિલ્વેન એસ્ટિયરને 48 કલાકમાં ઉત્તર કોરિયા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, આ પગલાનો અર્થ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવા એવો નથી. સ્વિટ્ઝર્લેન્ડે પણ સ્પષ્ટ કર્યું છે કે પ્યોંગયાંગની કચેરી બંધ થવા છતાં બંને દેશો વચ્ચે સંપર્કના અન્ય રાજદ્વારી માર્ગો ચાલુ રહેશે.
આ નિર્ણયથી સ્વિટ્ઝર્લેન્ડ અને ઉત્તર કોરિયા વચ્ચે તાજેતરમાં શરૂ થયેલી નિકટતા પર અસર પડી છે. સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ મંત્રી ઇગ્નાઝિયો કેસિસે ઓક્ટોબર 2026માં ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ હતી અને 19 ઓક્ટોબરે પ્યોંગયાંગમાં સ્વિટ્ઝર્લેન્ડની કચેરી ફરી શરૂ કરવામાં આવી હતી. આ કચેરી અગાઉ 1997માં માનવીય સહયોગ અને અન્ય કાર્યો માટે શરૂ કરાઈ હતી, પરંતુ કોરોના મહામારી દરમિયાન 2020માં બંધ કરી દેવામાં આવી હતી. બંને દેશો વચ્ચે 1974થી રાજદ્વારી સંબંધો છે.
બીજી તરફ, સ્વિટ્ઝર્લેન્ડે પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. સ્વિસ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્યોંગયાંગમાં કચેરી ફરી શરૂ કરવાનો નિર્ણય અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું પાલન કરવું એ બે અલગ બાબતો છે. કચેરી ખોલવાનો હેતુ ઉત્તર કોરિયા સાથે મતભેદો હોવા છતાં સંવાદના માર્ગ ખુલ્લા રાખવાનો હતો. તેનો અર્થ એવો નથી કે સ્વિટ્ઝર્લેન્ડ સંયુક્ત રાષ્ટ્રના ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત પ્રતિબંધો અથવા રશિયા-યુક્રેન યુદ્ધને લઈને યુરોપિયન સંઘના પ્રતિબંધોનો અમલ કરવાનું બંધ કરી દેશે. સ્વિટ્ઝર્લેન્ડે આ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્યોંગયાંગમાં કચેરી બંધ થવા છતાં ચીનના બેઇજિંગમાં આવેલી સ્વિસ એમ્બેસી અને બર્નમાં આવેલી ઉત્તર કોરિયાની એમ્બેસી મારફતે બંને દેશો વચ્ચે સંપર્ક ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત મિત્રના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ link ઉપર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029Vaj1bLh0VycHrJ7i4p3Q