ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો માત્ર ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીના આધારે તેના પરિવારને વળતર આપવાનો ઇનકાર કરી શકાય નહીં. રેલવે તંત્ર મુસાફરની બેદરકારીનું કારણ આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાઈકોર્ટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા વળતર નકારવાના નિર્ણયને ખામીયુક્ત ગણાવી રદ કર્યો હતો.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડમાં મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવા અથવા બહાર નીકળવા માટે ઘણી વખત પાટા ઓળંગવાની ફરજ પડે છે. ખાસ કરીને જ્યાં ફૂટ ઓવરબ્રિજ દૂર હોય, દુર્ગમ હોય અથવા ભીડને કારણે તેનો ઉપયોગ મુશ્કેલ બનતો હોય ત્યાં આવી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં રેલવે તંત્ર માત્ર ટ્રેક ઓળંગવાની ઘટનાને મુસાફરની બેદરકારી, ગુનાહિત કૃત્ય કે જાતે પહોંચાડેલી ઈજા ગણાવીને વળતરની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં.
જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ રાજબહાદુર અને અન્યની યુનિયન ઓફ ઈન્ડિયા સામેની ફર્સ્ટ અપીલમાં આ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલનો વળતર નકારતો હુકમ ગેરકાયદે અને રદબાતલ ઠરાવી મૃતક યુવકના આશ્રિતોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
કેસની હકીકત મુજબ, 18 જુલાઈ, 2023ના રોજ એક યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ હતી. આ દરમિયાન ટ્રેનને અચાનક ઝટકો લાગતાં યુવક ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. ટ્રેન સાથે ઘસડાવાને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તે ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
યુવકના મૃત્યુ બાદ પરિવારજનોએ વળતર મેળવવા માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં રૂ. 8 લાખની અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે 7 નવેમ્બર, 2024ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલના નિર્ણયથી અસંતુષ્ટ પરિવારજનોએ વળતર મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે કેસની હકીકતો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલનો નિર્ણય રદ કર્યો હતો અને પરિવારજનોને રૂ. 8 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો.
ગુજરાત મિત્રના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ link ઉપર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029Vaj1bLh0VycHrJ7i4p3Q