ભારત સહિત 14 અર્થતંત્રો પર કથિત વધારાની ઉત્પાદન ક્ષમતાના આધારે નવા આયાત શુલ્ક લાદવાના અમેરિકાના પ્રસ્તાવ સામે ભારત સરકારે મજબૂત વલણ અપનાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશના કોઈ પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં માળખાકીય રીતે વધારાની ઉત્પાદન ક્ષમતા નથી. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા ભારત પર 25 ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા બાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકાની સંબંધિત નોટિસની હાલમાં સમીક્ષા કરવામાં આવી રહી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાએ તપાસ શરૂ કરવાની નોટિસ જાહેર કરી ત્યારથી જ ભારતે પોતાનો પક્ષ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે. તપાસ દરમિયાન વાણિજ્ય વિભાગે અમેરિકાને જણાવ્યું હતું કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં માળખાકીય રીતે વધારાની ઉત્પાદન ક્ષમતા નથી. ભારતે સમગ્ર તપાસ પ્રક્રિયા દરમિયાન પોતાની દલીલો અને સંબંધિત માહિતી રજૂ કરી છે. સાથે જ આ મુદ્દે અમેરિકા સાથે રચનાત્મક સહયોગ પણ જાળવી રાખ્યો છે.
અમેરિકાએ ટ્રેડ એક્ટ 1974ની કલમ 301 હેઠળ આશરે આઠ મહિના સુધી તપાસ કર્યા બાદ નવા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. આ તપાસમાં 16 વેપારી ભાગીદારો સાથે જોડાયેલી કથિત અયોગ્ય વેપાર પ્રવૃત્તિઓ અને વધારાની ઉત્પાદન ક્ષમતાના મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી. અમેરિકાના પ્રસ્તાવમાં ભારત ઉપરાંત ચીન, બાંગ્લાદેશ, કંબોડિયા, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. સૂચિત દર મુજબ ભારત પર 25 ટકા અને ચીન પર 40 ટકા સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈનો પ્રસ્તાવ છે.
ભારત સરકારે આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવવાની સાથે અમેરિકા સાથે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર સમજૂતી એટલે કે BTAની વાટાઘાટો પર પણ ભાર મૂક્યો છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે વેપાર સમજૂતીને લઈને ચર્ચા ચાલી રહી છે. ભારત શરૂઆતથી જ એ મત ધરાવે છે કે વેપાર સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ અને બંને દેશોની ચિંતાઓનું નિરાકરણ આ જ વાટાઘાટોના માળખા હેઠળ લાવવું જોઈએ.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર અમેરિકા સાથે મળીને શક્ય તેટલી ઝડપથી દ્વિપક્ષીય વેપાર સમજૂતીને આખરી સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે ભારત વોશિંગ્ટન સાથે સતત રચનાત્મક સંવાદ અને સહયોગ જાળવી રાખશે. જોકે, અમેરિકાના ટેરિફ પ્રસ્તાવ અંગે અંતિમ નિર્ણય અને તેની સંભવિત અસર અંગે બંને દેશો વચ્ચેની આગામી ચર્ચાઓ મહત્વની રહેશે.
ગુજરાત મિત્રના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ link ઉપર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029Vaj1bLh0VycHrJ7i4p3Q