પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર અને બંધારણ સભાના તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંધારણના રૂપમાં દેશને મળેલી ભેટ ભારતીય લોકશાહીનો અમૂલ્ય વારસો છે, જે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશને સતત માર્ગદર્શન આપતી રહેશે.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપતાં બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે બંધારણ દિવસ માત્ર બંધારણના ઘડવૈયાઓને યાદ કરવાનો પ્રસંગ નથી, પરંતુ બંધારણમાં રહેલા આદર્શો અને મૂલ્યો પ્રત્યેની પોતાની જવાબદારીને ફરીથી યાદ કરવાનો અવસર પણ છે.
આ પ્રસંગે તેમણે એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું હતું. આ સુભાષિતનો ભાવાર્થ એવો છે કે અનેક વિદ્વાનો દ્વારા પરસ્પર વિચાર-વિમર્શ કરીને ઊંડાણપૂર્વક વિચારવામાં આવેલા અને સારી રીતે ઘડવામાં આવેલા નીતિ-સિદ્ધાંતો ક્યારેય નાશ પામતા નથી. આ સંદેશ દ્વારા તેમણે વિચારપૂર્વક ઘડાયેલા સિદ્ધાંતો અને નીતિઓના કાયમી મહત્વ પર ભાર મૂક્યો હતો.