શહેરમાં માં મોટા પાયે પ્રોજેક્ટો ચાલી રહ્યા હોય ત્યારે પાણીના બગાડને રોકવા સાથ-સહકારની જરૂર છે, તેવું ગોર્વધનનાથજી પરે બેઠકજી સેવા ટ્રસ્ટે જણાવ્યું છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ટ્રસ્ટે સુરત મહાનગરપાલિકાને ઓનલાઇન તેમજ લેખિત રજૂઆતો કરી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
દિલ્હી ગેટથી વરાછા સાઇડ જવા માટે સબરસ હોટલ પાસે લાંબેહનુમાન રોડ પર આવેલા ગરનાળામાં મેટ્રોનું કામ ચાલતું હોવાથી જાહેર જનતા માટે તે બંધ છે. આ ગરનાળામાં ૨૪ કલાક ૩૬૫ દિવસ પાણી ભરાય રહે છે. તેના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. રેલવે સ્ટેશન પાસેના હંગામી રીક્ષા સ્ટેન્ડમાં પણ સતત પાણી ભરાયેલું રહે છે. રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ જતા રસ્તા પર જીએસઆરટીસી બસ સ્ટેન્ડના મુખ્ય ગેટ સામેની લાઇનમાંથી પાણી ઉપર આવે છે.
રેલવે સ્ટેશનના ઓવરબ્રિજ અને લાંબેહનુમાન ગરનાળા વચ્ચે આવેલી બે ઓવરહેડ ટાંકીઓ તેમજ જમીનમાંની હાઇડ્રોલિક ટાંકીનું પાણી પણ મેઇન રોડ પર વહે છે. ઢોળાવને કારણે આ બધું પાણી ગરનાળામાં ભરાય છે અને નિકાલ થતો નથી. ગટરો પણ કામ ન કરતી હોવાથી લાખો લીટર ચોખ્ખા પાણીનો બગાડ થઈ રહ્યો છે. ટ્રસ્ટે આ મુદ્દે મનપા કમિશ્નર, મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વરાછા ઝોનલ અધિકારી, સીઆર પાટીલ અને જલ શક્તિ મંત્રીને પત્રો લખ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નીકળ્યો નથી. ટ્રસ્ટનું કહેવું છે કે આ પાણીના બગાડને અટકાવવા અને મુખ્ય રસ્તા પર ઉભરાતા પાણીમાંથી જનતાને મુક્તિ અપાવવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે.