૨૦૨૧માં મોર્નિંગ વોક દરમિયાન યુવતીના મોતને અકસ્માતમાં ખપાવવા પતિએ સાગરિત તથા પરિવારજનો સાથે મળીને વીમાની રકમ મેળવવા અને ટ્રકની લોન ચૂકવવામાંથી બચવા માટે પત્નીને ટ્રકના વ્હીલ નીચે કચડી નાખી હત્યા કેસમાં પતિ સહિત બે જણાંને કોર્ટે આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. જયારે પરિવારનાં બે સભ્યને ૫ વર્ષ ની કેદની સજા સેશન્સ કોર્ટે કરી હતી. આ કેસની હકીકત મુજબ તા. ૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે પુણા-કુંભારિયા રોડ પર રઘુવીર સિલિયમ માર્કેટ સામે સર્વિસ રોડ પર મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરથી ૨૧ વર્ષીય શાલીનીબેનનું મોત થયાની ફરિયાદ શરૂઆતમાં અનુજ કુમાર સોહન સિંગ યાદવે નોંધાવી હતી.
શરૂઆતમાં અકસ્માત અને હિટ એન્ડ રનની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, પરંતુ બીજા દિવસે અંતિમવિધિ માટે આવેલા મૃતકના પિતા અને પરિવારજનોએ આ બનાવ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની રજૂઆત કરતાં તપાસની દિશા બદલાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, શાલીનીબેનના લગ્ન ફેબ્રુઆરી ૨૦૧૭માં અનુજકુમાર સાથે થયા હતા. દહેજની માંગ અને ત્રાસ ઉપરાંત આરોપીઓએ શાલીનીબેનના નામે લોન લઈને આઈસર ટ્રક ખરીદ્યો હતો તેમજ બેંક ખાતા, જનધન યોજના અને અન્ય વીમા પોલિસીઓ લીધી હતી. ચાર્જશીટમાં જણાવાયા મુજબ, ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી ટાળવા, ટ્રકની લોનની રકમ ભરવામાંથી બચવા અને વીમાની રકમનો લાભ મેળવવા માટે પતિ અનુજ, સસરા સોહનસિંગ યાદવ અને નણંદ નિરૂ ઉર્ફે પૂજાએ કાવતરું ઘડ્યું હતું.
કાવતરા મુજબ ૮ જાન્યુઆરીની વહેલી સવારે મોહમંદ નઇમ ઉર્ફે પપ્પુ ટાટા ટ્રક લઈને સર્વિસ રોડ પર ઊભો રહ્યો હતો. મોર્નિંગ વોક દરમિયાન શાલીનીબેનને ગળા અને મોઢાના ભાગે દબાવી બેભાન કર્યા બાદ ટ્રકના વ્હીલ નીચે માથું મૂકી કચડી નાખી તેમનું મોત નિપજાવી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે પુણા પોલીસે IPC કલમ ૩૦૨ (હત્યા), ૪૯૮(ક), ૨૦૧, ૧૨૦બી તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩ અને ૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ટ્રક, મોબાઈલ ફોન, સીસીટીવી/કેમેરા ફૂટેજની સીડી/ડીવીડી, બેંક અને વાહન સંબંધિત દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.
આ કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ રાજેશ ડોબરીયા ફરિયાદ પક્ષ પુરવાર કરવામાં સફળ થયાં હતાં. પરિણીતા શાલીનીબેન યાદવની હત્યા તથા દહેજ પ્રતિબંધક ધારા હેઠળના કેસમાં સત્ર ન્યાયાધીશ રાહુલ અરૂણકુમાર ત્રિવેદીએ આરોપી પતિ અનુજકુમાર સોહનસીંગ યાદવ, મોહમ્મદ નઈમ ઉર્ફે પપ્પુ મોહમ્મદ ઉસ્માન ઈસ્લામ (ઉં.વ. ૪૬, રહે. પાલ, સુરત; મૂળ, યુ.પી.)ને આજીવન કેદની સજા તથા દંડ અને સસરા સોહનસીંગ જનકસીંગ ઉર્ફે મોહબ્બતસીંગ યાદવ, નણંદ નિરૂ ઉર્ફે પૂજા સોહનસીંગ યાદવને ૫ વર્ષ ની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.