વલસાડ શહેરથી તિથલ દરિયાકિનારા તરફ જતા માર્ગ પર વાંકી નદી ઉપર નવો મોટો પુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પુલ તિથલ જ નહી, પરંતુ સેગવી, મગોદ ડુંગરી જેવા અનેક ગામોને વલસાડ શહેર સાથે જોડતો હોય, વાહનવ્યવહાર માટે મહત્ત્વનો છે. જેના નવિનિકરણનું કાર્ય હાલ પૂર જોશમાં શરૂ થયું છે. જોકે, તાજેતરના વર્ષોમાં વલસાડ અને નવસારી જિલ્લામાં પુલની બાંધકામ ગુણવત્તા, જર્જરિત હાલત અને ભારે વરસાદ દરમિયાન પુલને થયેલા નુકસાનના બનાવો સામે આવ્યા છે. ત્યારે વાંકી નદી પર બની રહેલા નવા પુલના બાંધકામમાં શરૂઆતથી જ ગુણવત્તા અને સલામતીનાં ધોરણોનું કડક પાલન થાય તે જરૂરી બન્યું છે.
વલસાડના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાંકી નદી પર નવા મોટા પુલના બાંધકામ માટે રૂ. 13.76 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર મંજૂર થયું અને તેનું કામ હાલ શરૂ થઇ ગયું છે. હાલના પુલની બાજુમાં જ નદીમાં પૂરાણ કરી તેના પાયા નાખવાનું કાર્ય પૂર જોશમાં હાથ ધરાયું છે. આ નવો પુલ લાંબા સમય સુધી વાહનવ્યવહારનો ભાર સહન કરી શકે, ચોમાસામાં નદીના વધતા પ્રવાહ સામે ટકી શકે અને ભવિષ્યમાં મરામતની સમસ્યાઓ ઊભી ન થાય તે માટે બાંધકામના દરેક તબક્કે ટેકનિકલ દેખરેખ જરૂરી છે.
વલસાડ જિલ્લાના અનેક નવનિર્મિત પુલોમાં દુર્ઘટના ઘટી હતી
વલસાડ જિલ્લામાં પુલના બાંધકામની ગુણવત્તા સામે સૌથી ગંભીર પ્રશ્નો વાંકી નદી પરના અટકપારડી–પારનેરાપારડી ગામને જોડતા પુલના કિસ્સામાં ઊભા થયા હતા. રૂ. 2.42 કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવેલો આ લો-લેવલ પુલ ઉદ્ઘાટનના માત્ર 11 મહિના બાદ જ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. પુલના સ્લેબમાં તિરાડો, બહાર દેખાતા સળિયા અને અન્ય ખામીઓ સામે આવી હતી. તપાસમાં સિમેન્ટ કોંક્રિટની ગુણવત્તા નબળી હોવાની તથા બાંધકામના દસ્તાવેજોમાં ગેરરીતિઓ હોવાની વિગતો બહાર આવી હતી. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) અને ગુણવત્તા નિયંત્રણ વિભાગની તપાસ બાદ પુલને વાહનવ્યવહાર માટે બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ ઇજનેરોને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સરકારી નુકસાન રૂ. 87.99 લાખ જેટલું હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું હતું.
નિર્માણાધીન પુલનો ભાગ તૂટી પડતાં પાંચ કામદારો ઘાયલ
12 ડિસેમ્બર, 2025ના રોજ વલસાડ શહેરમાં ઔરંગા નદી પર બની રહેલા નવા ઊંચા પુલના નિર્માણ દરમિયાન બે થાંભલા વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાંચ કામદારો ઘાયલ થયા હતા. આ પુલનું બાંધકામ 2024માં શરૂ થયું હતું. રૂ. 42 કરોડના અંદાજિત ખર્ચે 700 મીટરથી વધુ લાંબો પુલ બનાવવામાં આવી રહ્યો હતો. ગર્ડર બેસાડવાની કામગીરી દરમિયાન સપોર્ટ સ્ટ્રક્ચર લપસી જતાં પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જિલ્લા કલેક્ટરે આ બનાવની તપાસના આદેશ આપ્યા હતા. હજુ પણ આ પુલ બની શક્યો નથી.
2026માં ભારે વરસાદથી પુલોને નુકસાન
જુલાઈ 2026માં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં અનેક પુલ અને રસ્તાઓને નુકસાન થયું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વારોલી નદી ઉપરના પુલના બે સ્પાનને નુકસાન થયું હતું અને પુલનો એક ભાગ પાણીમાં તણાઈ ગયો હતો. આ પુલ ઉમરગામ અને સંજાણ તરફના માર્ગવ્યવહાર માટે મહત્ત્વનો છે. ભારે વરસાદ અને નદીના પ્રવાહને કારણે પુલને નુકસાન થતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તે જ સમયગાળામાં ઉમરસાડી નજીક પાર નદી ઉપરના પુલને પણ નુકસાન થયું હતું. નદીના વધતા પ્રવાહમાં પુલના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી બાર્જ અથડાતાં પુલને ગંભીર નુકસાન થયું હતું.
ગંભીરા પુલ દુર્ઘટના બાદ વલસાડમાં પાંચ પુલ ભારે વાહનો માટે બંધ
જુલાઈ 2025માં વડોદરાના ગંભીરા પુલની દુર્ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ પુલોની સલામતી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે-56 પર આવેલા પાંચ મુખ્ય પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પુલોમાં વલસાડ–લીલાપોર પુલ, વાપી નજીક દેગામ ખાડીનો પુલ, કોકલ નદીનો પુલ, ધરમપુર પાસે કરંજવેરીનો પુલ અને તાન નદીનો પુલ સામેલ હતા. નાનાપોંઢા નજીક પાર નદી પરના વડખંભા પુલને પણ સ્ટેબિલિટી ચેક સુધી બંધ કરવામાં આવ્યો હતો.
અત્યંત મહત્વના વાંકી નદીના પુલની ગુણવત્તા પર કડક દેખરેખ જરૂરી
વલસાડ જિલ્લામાં કુલ 235 પુલ છે, જેમાંથી 162 મુખ્ય પુલ છે. આ આંકડા દર્શાવે છે કે જિલ્લામાં પુલોની સલામતી માટે નિયમિત સ્ટ્રક્ચરલ ઓડિટ અને ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા કેટલી મહત્ત્વની છે. નવા વાંકી નદીના પુલમાં શરૂઆતથી જ ગુણવત્તા પર ધ્યાન જરૂરી બની છે. વાંકી નદી પર બની રહેલો નવો પુલ વલસાડ શહેર અને તિથલ દરિયાકાંઠા વચ્ચેના માર્ગવ્યવહાર માટે મહત્ત્વનો છે. અગાઉના પુલોની સ્થિતિ અને તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખતાં નવા પુલના બાંધકામમાં ગુણવત્તા જાળવવા માટે શરૂઆતથી જ કડક દેખરેખ રાખવી જરૂરી છે. પુલના પાયાની મજબૂતી, કોંક્રિટની ગુણવત્તા, સળિયાની જાડાઈ અને પ્રમાણ, ગર્ડરનું બાંધકામ, નદીના પ્રવાહ સામેની ક્ષમતા તથા બાંધકામ દરમિયાન સલામતીનાં ધોરણોનું પાલન થાય તેની નિષ્ણાતો દ્વારા નિયમિત તપાસ થવી જોઈએ. બાંધકામ પૂર્ણ થયા બાદ પણ પુલનું સ્ટ્રક્ચરલ ઓડિટ અને ગુણવત્તા પ્રમાણપત્ર જાહેર થાય તે જરૂરી છે. પુલના નિર્માણમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા અને કામની ટેકનિકલ તપાસ અંગે પારદર્શિતા જળવાય તો ભવિષ્યમાં પુલ બંધ કરવાની કે દુર્ઘટના સર્જાવાની સ્થિતિ ટાળી શકાય.
વાંકી નદી પરના પુલનો 145 વર્ષ જૂનો ઇતિહાસ
વલસાડ–તિથલ માર્ગ પર વાંકી નદી ઉપરનો પુલ આજનો નથી. બ્રિટિશકાળના સત્તાવાર વહીવટી અહેવાલમાં 1881–82માં આ પુલ અંગે નોંધ કરવામાં આવી હતી. અહેવાલમાં લખાયું હતું કે બલસાર–તિથલ માર્ગ પરનો જૂનો જર્જરિત લાકડાનો પુલ તોડી તેના સ્થાને નવો પુલ બનાવવામાં આવ્યો હતો. આ નોંધમાં જૂના પુલને “old ricketty Wanki timber bridge” તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલનો આ પુલ આશરે 55 વર્ષ જૂનો છે. આ પુલનું સંભવિત નિર્માણ વર્ષ 1966ની આસપાસ ગણાય છે.