સુરતના વિવાદીત નાસિરનગર ડિમોલિશન કેસમાં સિંગલ જજના હુકમ સામે સુરત મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી છે. સુનાવણીના માત્ર એક દિવસ પહેલાં સ્ટેની માંગ કરતાં આ મામલો અચાનક ગરમાઈ ગયો છે. હાઇકોર્ટમાં આ અપીલની સુનાવણી યોજાશે.
સિંગલ જજે ચેરમેન અને કમિશ્નરને સતત બીજી વખત ૨૭ નવેમ્બરે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાનો હુકમ કર્યો હતો. બંને અગાઉ એક વખત કોર્ટ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે. નાસિરનગર ડિમોલિશનના અસરગ્રસ્તોને આવાસ ફાળવવાની વાત કોર્ટમાં થયા બાદ એસએમસી પોતાની જ વાતથી ફરી જતાં કોર્ટે બંનેની ઝાટકણી કાઢી હતી.
વૈકલ્પિક આવાસો અંગે પૂર્વ કમિશ્નરે કરેલી એફિડેવિટ બાદ શાસકો દ્વારા વૈકલ્પિક આવાસો ન આપવાની પોલિસીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં હવે કેસમાં નવો વળાંક આવવાની શક્યતા જોવા મળી રહી છે. સ્ટેની માંગ સાથે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ થતાં સમગ્ર મામલો વધુ તીવ્ર બન્યો છે.