સુરત:જૈન શ્વેતાંબર તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણજીનાં પ્રબુદ્ધ શિષ્યા સાધ્વી ડૉ. પરમયશાજીનો ઉધનામાં યોજાયેલો ચાતુર્માસ સંપન્ન થતાં શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ભાવભેર વિદાય આપવામાં આવી હતી. સવારે ૮:૧૫ કલાકે સાધ્વીએ સહવર્તી સાધ્વી વિનમ્રયશાજી, મુક્તા પ્રભાજી અને કુમુદ પ્રભાજી સાથે તેરાપંથ ભવન થી વિહાર શરૂ કરી પોસ્ટલ સોસાયટી સ્થિત ભરત માદરેચાના નિવાસસ્થાને પધાર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. વિવિધ ધાર્મિક જયઘોષથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ધર્મસભાને સંબોધતાં સાધ્વી ડૉ. પરમયશાજીએ જણાવ્યું હતું કે, ચાતુર્માસનો પ્રવેશ અને તેની સંપન્નતા બંને પ્રસન્નતાના અવસર છે. સંતોનું આવવું અને જવું બંને શ્રેયસ્કર હોય છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ધર્મની ધ્વજા ફરકાવતા રહે છે. ઉધનાના શ્રાવક સમાજમાં વિશેષ વિનય શીલતા, શ્રદ્ધા અને સમર્પણની ભાવના જોવા મળે છે. અહીં ધર્મ પ્રત્યેની આસ્થા સતત જળવાઇ રહે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં ભરત માદરેચા સહિત તેરાપંથ સભા, યુવક પરિષદ, મહિલા મંડળ અને જ્ઞાનશાળાના હોદ્દેદારોએ પ્રસ્તુતિ આપી સાધ્વી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન તેરાપંથ સભાના મંત્રી પુખરાજ હિરણે કર્યું હતું.
000000