લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કેદીઓમાં સદભાવના કેળવાય, રમત ગમત પ્રત્યે રસ વધે અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ બને તેવા હેતુથી ‘વિન્ટર બંદીવાન રમતોત્સવ-2026’નું આયોજન કરવામાં આવનાર છે. આ રમતોત્સવ આગામી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે.
સરોજ કુમારી, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ), વડોદરા ઝોનની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ લાજપોર મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે. કેદીઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા, ખેલાડીઓનો ઉત્સાહ વધારવા, તંદુરસ્તી જાળવવા અને ખેલદિલીની ભાવના વિકસાવવાના હેતુથી આ રમતોત્સવ યોજાશે. સાથે જ રમતગમતના માધ્યમથી કેદીઓના માનસિક પરિવર્તનનો પણ પ્રયાસ કરવામાં આવશે.આ રમતોત્સવનો પ્રારંભ પોલીસ મહાનિદેશકની ઉપસ્થિતિમાં મશાલ પ્રગટાવીને કરવામાં આવશે.
જેલ પરિસરમાં યોજાનારા આ રમતોત્સવમાં મહિલા અને પુરુષ કેદીઓ માટે અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવશે.જેમાં રસ્સાખેંચ, ચેસ, કેરમ, વોલીબોલ, ક્રિકેટ, લીંબુચમચી, લાંબી કૂદ, 100 મીટર અને 200 મીટરની દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં કેદીઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવવા ઉપરાંત તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસ રૂપે આ રમતોત્સવ મહત્વનો બની રહેશે. રમતગમત દ્વારા શિસ્ત, સંયમ, પરસ્પર સહકાર અને હકારાત્મક અભિગમ વિકસે તેવો પણ આશય છે.