સરકારી કચેરીઓના ધક્કા ખાઈને પણ ન્યાયની રાહ જોતા નાગરિકોની ફરિયાદોનો સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ થાય તે હેતુથી યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે તંત્રને કામગીરીમાં ઢીલાશ ન રાખવા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૨ પ્રશ્નોમાંથી ૧૧ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ લાંબા સમયથી ઉકેલની રાહ જોઈ રહેલા પ્રશ્નોને કલેક્ટરે અરજદારો પાસેથી રૂબરૂ સાંભળ્યા હતા. જાહેર રસ્તા પરના ગેરકાયદેસર દબાણ, કુદરતી કોતર પર અનધિકૃત બાંધકામ, રહેણાંક મકાનોમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, ગેરકાયદે વૃક્ષ કાપણી, પેન્શન અને વિજિલન્સ વિભાગની અસંતોષકારક કામગીરી જેવા મુદ્દાઓ બેઠકમાં મુખ્યત્વે ચર્ચાયા હતા. કાર્યક્રમમાં અનધિકૃત બાંધકામ, ગૌચર જમીન સંપાદન, પાવરગ્રીડ કંપની દ્વારા ક્ષતિગ્રસ્ત કરાયેલા જાહેર રસ્તાઓ અને કૃષિ સહાયની રકમની ચૂકવણી જેવા પ્રશ્નો પણ અરજદારોએ રજૂ કર્યા હતા. નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી લઈને કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોના સંતોષકારક નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૨માંથી ૧૧ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવતાં નાગરિકોની રજૂઆતોના નિરાકરણ માટેની વહીવટી તંત્રની કામગીરીને વેગ મળ્યો છે. હવે બાકી રહેલા પ્રશ્નનો પણ સમયસર નિકાલ થાય છે કે કેમ તેના પર અરજદારોની નજર રહેશે.
'સમયમર્યાદામાં ઉકેલ લાવો, શિથિલતા નહીં'
કલેક્ટર તેજસ પરમારે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે અરજદારોની ફરિયાદોના નિવારણમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. દરેક પ્રશ્નનો નિયત સમયમર્યાદામાં ગુણવત્તાસભર અને સંતોષકારક ઉકેલ લાવવાની જવાબદારી સંબંધિત વિભાગોની રહેશે.