મોટા વરાછા ઝોન વિસ્તારમાં ઉત્રાણથી મોટા વરાછા વચ્ચે વધારાનો રસ્તો ઉપલબ્ધ બને તે માટે ઉત્રાણ પાવર હાઉસ પાસે બંધ પડેલી રેલ્વે લાઇનની દિવાલ દુર કરવી જરૂરી હોય, આ મુદ્દે ત્રણ દિવસ પહેલા ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઇ દ્વારા મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી તેમજ ઉર્જા મંત્રીને પત્ર લખ્યા બાદ આજે પુર્વ મેયર દક્ષેશ માવાણી અને ટાઉન પ્લાનિંગ કમિટિ ચેરમેન મહેન્દ્ર દેસાઇ સ્થાનિક નગરસેવક તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની ટીમે દ્વારા રાજ્ય સરકારને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા સમક્ષ આ રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય મુકેશ પટેલ, પૂર્વ મેયર અને કોર્પોરેટર દક્ષેશ માવાણી, મનપાની ટી.પી. કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ, બાંધકામ સમિતિના ચેરમેન રાજેન્દ્ર પટેલ સહિત કોર્પોરેટરો અને મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉત્રાણ અને મોટા વરાછા વચ્ચે સીધો અને પૂરતી પહોળાઈનો માર્ગ ન હોવાથી વાહનચાલકોને આશરે પાંચ કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે. ઉત્રાણ પાવર હાઉસ તરફ જતી બંધ રેલવે લાઇનની જમીન અને તેની દીવાલ માર્ગ કનેક્ટિવિટીમાં અવરોધરૂપ બની રહી છે.
અગાઉ આ જમીનમાંથી ૧૮ અને ૩૬ મીટરના ટી.પી. રોડ પસાર કરવાનું આયોજન પણ રજૂ કરાયું હતું. હવે રેલવે લાઇનની દીવાલ ખુલ્લી કરી ટી.પી. રોડના નિર્માણ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થતાં આ પ્રશ્નના ઉકેલની આશા જાગી છે. જોકે, જમીનના ઉપયોગ અને દીવાલ દૂર કરવા અંગે સંબંધિત વિભાગોની મંજૂરી બાદ જ માર્ગ નિર્માણનો રસ્તો સ્પષ્ટ થશે. આ જોડાણ સાકાર થાય તો ઉત્રાણ, કોસાડ અને મોટા વરાછા વચ્ચેની અવરજવર સરળ બનવાની સાથે પૂર્વ વિસ્તારના ટ્રાફિકનું ભારણ પણ ઘટી શકે છે.