ઇસ્માઇલ દરબારની માતાના મૃત્યુ કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો: ડો. પરેશ ભજીયાવાલાને બે વર્ષની સજા
સુરતની અદાલતે જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતાના મૃત્યુ મામલે 17 વર્ષ બાદ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સુરતની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ (GGH) સાથે જોડાયેલા ડો. પરેશ ભજીયાવાલાને આ કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. ફરિયાદ પક્ષની દલીલો અને 16થી વધુ સાક્ષીઓની જુબાનીના આધારે અદાલતે આ નિર્ણય લીધો છે.
આ ચુકાદા બાદ કોર્ટે આરોપી ડોક્ટરને ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે સજાના આદેશ પર 30 દિવસનો સ્ટે આપ્યો છે અને તેમના જામીન પણ મંજૂર કર્યા છે.
2009ની ઘટના અને સારવાર દરમિયાન બેદરકારીનો આક્ષેપ
અહેવાલ અનુસાર, જાન્યુઆરી 2009માં સંગીતકાર ઇસ્માઇલ દરબારના 70 વર્ષીય માતા જૈતુનબીબીને સારવાર માટે સુરતની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલના સ્ટાફની કથિત બેદરકારીના કારણે ગરમ પાણીની થેલી આખી રાત તેમની પીઠ પર રહી ગઈ હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ત્યારબાદ ફેબ્રુઆરી 2009માં તેમનું અવસાન થયું હતું.
આ બનાવ બાદ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ડો. પરેશ ભજીયાવાલા અને નર્સ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા અન્ય તબીબો સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે અંગે અદાલતમાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી હતી અને વિવિધ સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી હતી.
ફરિયાદ પક્ષની દલીલો અને ફરાર નર્સની સ્થિતિ
આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી વકીલ કેતન રેશમવાલાએ રજૂ કરેલી દલીલો તથા 16થી વધુ સાક્ષીઓની જુબાનીને અદાલતે ધ્યાનમાં લીધી હતી. લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ અદાલતે ડો. પરેશ ભજીયાવાલાને કસૂરવાર ઠેરવતો ચુકાદો સંભળાવ્યો હતો.
આ કેસમાં ડો. પરેશ ભજીયાવાલા ઉપરાંત નર્સ ચંચુબેનને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, ટ્રાયલ દરમિયાન જામીન મળ્યા બાદ નર્સ ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. નર્સ ફરાર થઈ જતાં અદાલતમાં માત્ર ડોક્ટર સામેનો કેસ આગળ ચલાવવામાં આવ્યો હતો. હવે ચુકાદા બાદ આરોપી ડોક્ટરને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તક આપવા માટે સજા પર 30 દિવસનો સ્ટે અને જામીન મંજૂર કરવામાં આવ્યા છે.