રાતના બે વાગ્યા છે. આખો દિવસ જે વાતનો વિચાર પણ આવ્યો નહોતો, એ જ જૂની ઘટના અચાનક આંખ સામે આવી જાય છે. વર્ષો પહેલાં કોઈની સામે બોલાઈ ગયેલું ખોટું વાક્ય, મિત્રો વચ્ચે થયેલી કોઈ અજીબ હરકત કે મીટિંગમાં થયેલી ભૂલ—મગજ જાણે એ ઘટનાનું રિપ્લે શરૂ કરી દે છે. પછી સવાલ ઊભા થાય છે—‘મેં ત્યારે આવું કેમ કહ્યું?’, ‘સામેની વ્યક્તિએ શું વિચાર્યું હશે?’ અને ‘આટલાં વર્ષ પછી પણ આ વાત યાદ રાખવાની શું જરૂર હતી?’ મનોવિજ્ઞાનમાં આ પ્રકારના વારંવાર આવતા વિચારોને ‘Rumination’ અને ‘Involuntary Autobiographical Memory’ જેવા ખ્યાલોથી સમજવામાં આવે છે.
દિવસભર વ્યસ્ત મગજને રાત્રે જ કેમ મળે છે જૂની યાદોનો સમય?
દિવસ દરમિયાન આપણું ધ્યાન કામ, ઘર, ફોન અને રોજિંદી જવાબદારીઓમાં વહેંચાયેલું હોય છે. રાત્રે બાહ્ય પ્રવૃત્તિઓ ઓછી થાય છે ત્યારે મનને પોતાના વિચારો તરફ વળવાનો વધુ અવકાશ મળે છે. મનોવિજ્ઞાનમાં કોઈ ખાસ પ્રયત્ન વિના અચાનક જૂની ઘટના યાદ આવી જાય તેને ‘Involuntary Autobiographical Memory’ કહેવાય છે. આવી યાદો કોઈ ગીત, સુગંધ, શબ્દ કે લાગણીથી અથવા કોઈ સ્પષ્ટ કારણ વિના પણ સક્રિય થઈ શકે છે.
એક જ ભૂલને મગજ વારંવાર કેમ ચલાવે છે?
ધારો કે પાંચ વર્ષ પહેલાં કોઈ પ્રસંગે તમે ઉતાવળમાં કંઈક એવું બોલી ગયા હતા જેનાથી લોકો હસી પડ્યા હતા. લોકો એ વાત ભૂલી ગયા, પરંતુ તમારા મનમાં એ દૃશ્ય ફરી જીવંત થઈ જાય છે. તમે ત્યારે શું બોલવું જોઈતું હતું તેનું વિશ્લેષણ કરવા લાગો છો. આ પ્રક્રિયાને ‘Rumination’ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિ કોઈ નકારાત્મક ઘટના વિશે વારંવાર વિચારે છે, પરંતુ ઉકેલ સુધી પહોંચતી નથી. મગજ ઘટનાની સાથે જોડાયેલી શરમ અને અફસોસ પણ ફરી અનુભવે છે, જેથી વર્ષો જૂની ઘટના વર્તમાનમાં બની રહી હોય તેવું લાગે છે.
સંશોધન કહે છે: વધુ પડતા વિચારો ઊંઘને અસર કરે છે
2020માં પ્રકાશિત 55 અભ્યાસોના મેટા-વિશ્લેષણમાં ચિંતા અને Rumination જેવા પુનરાવર્તિત વિચારો તથા ઊંઘની ગુણવત્તા વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો. આ અભ્યાસમાં ઊંઘની ગુણવત્તા સાથેનો સહસંબંધ −0.28, ઊંઘ આવવામાં લાગતા સમય સાથે −0.16 અને કુલ ઊંઘના સમય સાથે −0.15 નોંધાયો હતો (આ આંકડા ટકાવારી નહીં, પરંતુ આંકડાકીય સંબંધ દર્શાવે છે).
બીજી તરફ, 2025માં Sleep Advances જર્નલમાં પ્રકાશિત 50 લોકો પરના પ્રયોગમાં કરાઓકે ગાતી વખતે રેકોર્ડ થયેલો પોતાનો જ અવાજ સંભળાવી સહભાગીઓને શરમનો અનુભવ કરાવાયો હતો. એક અઠવાડિયા પછી બંને જૂથોમાં શારીરિક પ્રતિક્રિયામાં ઘટાડો જોવા મળ્યો, પરંતુ ઊંઘ પહેલાંનો સમયગાળો તેના માટે નિર્ણાયક સાબિત થયો નહોતો. એટલે ઊંઘ દરેક શરમજનક યાદની લાગણી ઘટાડી જ દે છે એવું કહી શકાય નહીં.
તો રાત્રે મગજનું રિપ્લે બંધ કેવી રીતે કરવું?
જૂની ઘટના યાદ આવે ત્યારે તેની સાથે લડવાને બદલે ‘આ ઘટના હવે પૂરી થઈ ગઈ છે’ એવું પોતાને યાદ અપાવો. મનમાં ચાલતા વિચારો કાગળ પર લખી દો, સૂતાં પહેલાં મોબાઇલથી દૂર રહો અને પોતાને પૂછો—‘આ ઘટનામાંથી મેં શું શીખ્યું?’ જો જવાબ મળી ગયો હોય તો ફરી વિશ્લેષણ કરવાની જરૂર નથી. જો આ વિચારો સતત ઊંઘ બગાડે તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ લેવી યોગ્ય છે.
ભૂલ જૂની છે, પણ શરમ હજી નવી કેમ લાગે છે?
કદાચ મગજ જૂની ભૂલો યાદ અપાવીને આપણને શીખવવાનો પ્રયાસ કરતું હોય છે, પરંતુ શીખવા અને પોતાને વારંવાર દોષ આપવા વચ્ચે મોટો તફાવત છે. જે ઘટના વર્ષો પહેલાં પૂરી થઈ ગઈ છે અને દુનિયા ક્યારની ભૂલી ગઈ છે, તેની સજા આપણે આજે પણ પોતાને આપી રહ્યા છીએ—તો સવાલ એ છે કે ભૂલ ખરેખર ભૂતકાળમાં થઈ હતી કે આપણે એને આજ સુધી જીવતી રાખી છે?
જે ઘટના દુનિયા ક્યારની ભૂલી ગઈ છે, તેની સજા આપણે આજે પણ પોતાને આપી રહ્યા છીએ—તો સવાલ એ છે કે ભૂલ ખરેખર ભૂતકાળમાં થઈ હતી કે આપણે એને આજ સુધી જીવતી રાખી છે?