તમારા WhatsApp પર રોજ કેટલા મેસેજ આવે છે? કેટલા ફોટા આપમેળે ડાઉનલોડ થાય છે? તમારા પ્રોફાઇલ ફોટો પર કોણ નજર નાખી શકે છે? અને સૌથી મહત્ત્વનું—તમારા એકાઉન્ટનો ઉપયોગ કોઈ બીજા ડિવાઇસ પર તો નથી થતો ને? આપણે WhatsApp એટલું વાપરીએ છીએ કે તેની આ નાની-નાની બાબતો તરફ ધ્યાન જ આપતા નથી. પરિણામે ફોનની મેમરી ભરાય છે, અજાણ્યા કૉલ પરેશાન કરે છે અને અંગત માહિતી પણ જોખમમાં મુકાઈ શકે છે. પરંતુ WhatsAppમાં જ એવાં સેટિંગ્સ છે, જેનો ઉપયોગ કરીને આ મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
1.અજાણ્યા કૉલને રાખો 'સાઇલન્ટ' (Silent)!
અજાણ્યા નંબર પરથી આવતા કૉલ વારંવાર પરેશાન કરે છે? WhatsApp ખોલો અને Settings → Privacy → Callsમાં જઈને ‘Silence Unknown Callers’ ચાલુ કરો. અજાણ્યા નંબરના કૉલની રિંગ નહીં વાગે, પરંતુ તે Call Listમાં દેખાશે. એટલે જરૂરી કૉલ તપાસવાની તક રહેશે અને બિનજરૂરી રિંગથી પણ બચી શકશો.
2. તમારી અંગત ચેટ પર લગાવો તાળું
ફોન કોઈના હાથમાં જાય ત્યારે દરેક ચેટ ખુલ્લી રહે એ જરૂરી નથી. જે ચેટ લોક કરવી હોય તે ખોલો, વ્યક્તિ અથવા ગ્રૂપના નામ પર ટૅપ કરો અને ‘Chat Lock’ પસંદ કરો. ઉપલબ્ધ હોય તો ફિંગરપ્રિન્ટ, Face ID અથવા ફોનના પાસકોડથી સુરક્ષા સેટ કરી શકો છો. આમ, ખાનગી વાતચીત માટે અલગ સુરક્ષા મળશે.
3. તમારો ફોટો અને Status દરેકને બતાવવાની જરૂર નથી
Settings → Privacyમાં જઈને Profile Photo, Last Seen, Online અને Status કોણ જોઈ શકે તે નક્કી કરો. ‘My Contacts Except…’ પસંદ કરીને અમુક લોકોને તમારી માહિતી જોવાથી રોકી શકો છો. ખાસ કરીને Statusમાં દરેક અંગત ક્ષણ દરેક કોન્ટૅક્ટ સુધી પહોંચે એ જરૂરી નથી.
4. ફોનની મેમરી ખાવા દો નહીં!
પરિવારના ગ્રૂપના ફોટા અને વીડિયો ફોનની સ્ટોરેજ ભરવામાં મોટો ભાગ ભજવી શકે છે. Settings → Storage and Data → Media Auto-Downloadમાં જઈને ફોટા, વીડિયો અને દસ્તાવેજો આપમેળે ડાઉનલોડ થાય તે નિયંત્રિત કરો. ‘Manage Storage’માં મોટી ફાઇલો તપાસીને બિનજરૂરી મીડિયા ડિલીટ કરો. ધ્યાન રાખો, ડિલીટ કરતાં પહેલાં જરૂરી ફોટા કે દસ્તાવેજનો બૅકઅપ છે કે નહીં તે તપાસી લો.
5. એકાઉન્ટની સુરક્ષા માટે બેવડું કવચ
Settings → Account → Two-step verificationમાં જઈને વધારાનો PIN સેટ કરો અને ઇમેઇલ ઉમેરવાનો વિકલ્પ મળે તો ઉમેરો. આ સુરક્ષાનું એક વધારાનું સ્તર છે. તમારો OTP કે PIN કોઈને આપશો નહીં—ભલે સામેની વ્યક્તિ પોતાને WhatsAppનો કર્મચારી ગણાવે. ફોનમાં ‘Passkeys’નો વિકલ્પ ઉપલબ્ધ હોય તો તેને પણ તપાસો.
6. તમારું WhatsApp બીજે ક્યાંક ખુલ્લું તો નથી ને?
Settingsમાં ‘Linked Devices’ ખોલો. અહીં તમારા WhatsApp સાથે જોડાયેલા કમ્પ્યુટર અથવા અન્ય ડિવાઇસ દેખાશે. કોઈ અજાણ્યું ડિવાઇસ દેખાય તો તેને પસંદ કરીને Log Out કરો. ખાસ કરીને બીજા કોઈના કમ્પ્યુટર પર WhatsApp વાપર્યું હોય તો આ તપાસવાની ટેવ રાખો.
7. ખાનગી કૉલમાં પણ પ્રાઇવસી જાળવો
Settings → Privacy → Advancedમાં ‘Protect IP Address in Calls’નો વિકલ્પ ઉપલબ્ધ હોય તો તેને ચાલુ કરો. તેનાથી કૉલ દરમિયાન તમારી IP ઍડ્રેસની માહિતી બીજા વ્યક્તિ સુધી પહોંચવાની શક્યતા મર્યાદિત થાય છે. જોકે, તે કૉલની ગુણવત્તા પર અસર કરી શકે છે.
WhatsAppની સેટિંગ્સ માત્ર ટેક્નિકલ સુવિધાઓ નથી; તે તમારી માહિતી પરનું નિયંત્રણ છે. સમયાંતરે Privacy વિભાગ તપાસો અને એપ અપડેટ રાખો.
કારણ કે આજના સમયમાં સવાલ માત્ર એટલો નથી કે તમે WhatsApp કેટલું વાપરો છો; સવાલ એ છે કે WhatsApp વાપરતી વખતે તમારી અંગત દુનિયા પર નિયંત્રણ કોનું છે—તમારું કે બીજાનું?