NMC Foreign Medical Graduate Regulations: વિદેશમાં MBBS કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC)એ મહત્વનો ડ્રાફ્ટ સુધારો જાહેર કર્યો છે. હવે વિદેશી મેડિકલ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને ભારતમાં પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે જે તે દેશના નાગરિકોની જેમ લાયસન્સ લેવું ફરજિયાત નહીં રહે. તેના બદલે ત્યાંના સક્ષમ મેડિકલ સત્તામંડળમાં રજિસ્ટ્રેશન હોવું પૂરતું ગણાશે.
ભારતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હતું
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના વિદ્યાર્થીઓ MBBS માટે રશિયા, ચીન, જ્યોર્જિયા, ફિલિપાઈન્સ અને જર્મની જેવા દેશોમાં જાય છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ (FMGE) અને ઈન્ટર્નશિપ સહિતના નિયમોનું પાલન કરવું પડે છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે હતી મુશ્કેલી
2021ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ રેગ્યુલેશન્સની સેક્શન 4B મુજબ, વિદેશી વિદ્યાર્થીઓએ ત્યાંના નાગરિકોની જેમ પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા લાયક હોવું જરૂરી હતું. જોકે, રશિયા સહિતના કેટલાક દેશોમાં ભાષાની પરીક્ષા અને અન્ય પ્રક્રિયાઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને આ શરત પૂરી કરવામાં મુશ્કેલી પડતી હતી.
શરતોમાં NMC દ્વારા કરવામાં આવ્યો ફેરફાર
NMCના નવા ડ્રાફ્ટ મુજબ, વિદેશમાં મેડિકલ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ લાયસન્સની શરત હળવી કરાઈ છે. હવે જે તે દેશના સક્ષમ મેડિકલ સત્તામંડળ અથવા મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું પૂરતું ગણાશે. આ ડ્રાફ્ટ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા માટે 30 દિવસનો સમય અપાયો છે. સુધારો આખરી થયા બાદ 18 નવેમ્બર, 2021 અથવા ત્યારબાદ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે.