Mississippi Plane Crash Six Dead: અમેરિકાના મિસિસિપીમાં હોર્ન આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે નાનું વિમાન સમુદ્રમાં ક્રેશ થતાં બે બાળકો સહિત છ લોકોનાં મોત થયાં છે. વિમાનમાં ચાર પુખ્ત વયના અને 8થી 10 વર્ષનાં બે બાળકો સવાર હતાં. અમેરિકન કોસ્ટ ગાર્ડે તમામનાં મોતની પુષ્ટિ કરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન ડાઇવર્સે કાટમાળમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
વિમાનમાં ચાર પુખ્ત વયના અને બે બાળકો સવાર હતાં
અમેરિકન કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ, દુર્ઘટનાગ્રસ્ત વિમાન સેસના સેન્ટુરિયન 210 હતું. મંગળવારે બપોરે 3:45 વાગ્યે FAA (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)નો વિમાન સાથેનો સંપર્ક તૂટી જતાં કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.
ડાઇવર્સે વિમાનના કાટમાળમાંથી મૃતદેહો શોધ્યા
અકસ્માત બાદ બચાવ ટુકડીઓને ઘટના સ્થળેથી ત્રણ લાઇફ જેકેટ, એક લાઇફ રાફ્ટ અને વિમાનની કેબિન મળી આવી હતી. ત્યારબાદ મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ મરીન રિસોર્સિસ (MDMR)ના ડાઇવર્સે કાટમાળમાં શોધખોળ કરતાં તમામ છ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. આ સાથે કોસ્ટ ગાર્ડે શોધખોળ અભિયાન પૂર્ણ જાહેર કર્યું હતું.

ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડા જઈ રહ્યું હતું વિમાન
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, સેસના 210 વિમાન ન્યૂ ઓર્લિયન્સથી ફોર્ટ માયર્સ જઈ રહ્યું હતું. ઉડાનના આશરે 30 મિનિટ બાદ વિમાન મિસિસિપીના પસ્કાગૌલાના દક્ષિણમાં 8,800 ફૂટની ઊંચાઈએ હતું, ત્યારબાદ અચાનક સમુદ્ર તરફ નીચે પડવા લાગ્યું હતું.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24ના ડેટા મુજબ, અકસ્માત પહેલાં વિમાન પ્રતિ મિનિટ આશરે 18,000 ફૂટની ઝડપે નીચે આવી રહ્યું હતું અને તેની ગતિ 200 માઇલ પ્રતિ કલાકથી વધુ હતી. ત્યારબાદ વિમાનનો ટ્રેકિંગ ડેટા મળવાનું બંધ થઈ ગયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.