વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા ફ્લેટના એક મકાનમાં આગ લાગ્યા બાદ ગેસનો બોટલ ફાટવાની ઘટના બની હતી. આ ધડાકાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને મોટો અવાજ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ ટાવરના એક મકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની ઝપેટમાં ગેસનો બોટલ આવી જતાં જોરદાર ધડાકા સાથે બોટલ ફાટ્યો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના મકાનોના દરવાજા-બારી પણ ધ્રૂજી ઉઠ્યા હતા. આથી રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર નીકળીને સલામત સ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. તેમની સમયસરની કામગીરીના કારણે આગ આજુબાજુના મકાનો સુધી ફેલાતી અટકી હતી. ગેસનો બોટલ ફાટવાના કારણે ઈમારતના માળખા તથા મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, આ ગંભીર બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવાથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. બનાવ બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
