વડોદરા શહેરમાં દેવ દિવાળીના દિવસે નરસિંહજીની પોળમાંથી ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરઘોડો નીકળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો અને શહેરીજનો જોડાયા હતા. સમગ્ર માર્ગ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયો હતો અને ઠેર-ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન મોડી રાત્રે એમજી રોડ પર આવેલી રાજેશ કીડ્સ નામની દુકાનની ઉપરના ભાગે ફટાકડાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં દુકાનના ઉપરના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ધુમાડો જોતાં જ વરઘોડામાં હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. વરઘોડાના કારણે જાહેર માર્ગો પર લોકોની ભારે ભીડ હોવાથી એક તબક્કે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાના બાળકો અને પરિવારને લઈને સલામત સ્થળે જવા માટે દોડવા લાગ્યા હતા. થોડીવાર માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે આગના કારણે દુકાનના ઉપરના ભાગે કેટલું નુકસાન થયું તે અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી. બનાવ બાદ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ભીડને નિયંત્રિત કરી હતી અને પરિસ્થિતિ થાળે પાડી હતી.