વડોદરા શહેરમાં દેવદિવાળીના પર્વે પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન ભગવાનનો વરઘોડો તુલસીવાડી ખાતે પહોંચ્યો હતો. ત્યારે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બે અલગ-અલગ કોમના યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જેમાં પથ્થરમારો થતાં વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવતા મામલો થાળે પડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નરસિંહજીનો વરઘોડો શહેરમાંથી ફરીને તુલસી વાળી ખાતે પહોંચી ગયો હતો. તુલસીવાડી ખાતે કેટલાક હિન્દુ યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન લઘુમતી કોમના કેટલાક યુવકોએ ફટાકડા નહીં ફોડવાનું કહેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને પથ્થરમારો થતાં વરઘોડાના માહોલમાં અચાનક તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓ અને પોલીસનો વધારાનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને પક્ષના યુવકોને વિખેરી નાખ્યા હતા અને ઝઘડામાં સામેલ કેટલાક લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. જોકે, પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ પોલીસ એક્શનમાં આવી જતાં મામલો થાળે પડ્યો હતો. ધાર્મિક વરઘોડા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે તુલસીવાડી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.