સુરત: સુરત પાસેના ચોર્યાસી ટોલ પ્લાઝાથી દેશમાં શરૂ થયેલી બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમને 7 મહિના થયા, પણ ટોલ ભર્યા વગર નીકળી જતા વાહનોનો પ્રશ્ન હજુ યથાવત છે. એક રિપોર્ટ મુજબ, દેશના 5 એમએલએફએફ પ્લાઝા પર દર 10માંથી 1 વાહન ખરાબ કે અમાન્ય ફાસ્ટટેગ સાથે પસાર થાય છે અને ટોલ ભરતું નથી. સૌથી ખરાબ સ્થિતિ સુરતના ચોર્યાસી ટોલનાકાની જ છે. મે, જૂન અને જુલાઈ - આ ત્રણ મહિનામાં ચોર્યાસીથી કુલ 30,91,543 વાહનો પસાર થયા, જેમાંથી 3,69,969 વાહનોને ઈ-નોટિસ આપવી પડી. એટલે વાયોલેશન રેટ 11.97% થાય છે, જે દેશમાં સૌથી વધુ છે. સારી વાત એ છે કે ચોર્યાસી પર વાયોલેશન ઘટી રહ્યું છે. મે મહિનામાં 15.33% હતું તે જુલાઈમાં ઘટીને 9.73% થયું છે.
ચોર્યાસી: દેશનો પ્રથમ પ્લાઝા, આવકમાં પણ વધારો
ચોર્યાસી ફી પ્લાઝા 1 મે 2026ના રોજ દેશનો પ્રથમ બેરિયર-ફ્રી પ્લાઝા બન્યો હતો. પહેલા જ દિવસે 41,500 વાહનો વગર રોકાયે પસાર થયા હતા. હવે દેશમાં 7 બેરિયર-લેસ પ્લાઝા છે - ચોર્યાસી (ગુજરાત), મુંડકા (દિલ્હી), ઘરૌંડા (હરિયાણા), મનોહરપુરા, દૌલતપુરા, શાહજહાંપુર (રાજસ્થાન) અને પરાનુર (તમિલનાડુ). આ 7 પ્લાઝાની ચોખ્ખી આવક 19.8% વધીને રૂ. 538.95 કરોડ થઈ છે, જે અગાઉ રૂ. 449.72 કરોડ હતી.
ચોર્યાસી ટોલ પ્લાઝાનો ડેટા - એક નજરે
લોકેશન: NH-48, ભરૂચ-સુરત સ્ટ્રેચ, કિ.મી. 245.650, કામરેજ-ચોર્યાસી સેક્શન
ટોલેબલ અંતર: 65 કિ.મી., પ્રોજેક્ટ લેન 6, ટોલ લેન 16
MLFF સિસ્ટમ: ANPR કેમેરા + FASTag RFID, 80 કિ.મી.ની ઝડપે પણ ટોલ કપાય, 32 HD CCTV, 8 લેન (4 મુંબઈ-અમદાવાદ, 4 અમદાવાદ-મુંબઈ)
રોજના વાહનો: આશરે 40,000 વાહનો પસાર થાય છે
ટોલ દર (1 એપ્રિલ 2026થી): કાર/જીપ/વેન સિંગલ રૂ. 125, રિટર્ન રૂ. 185, માસિક પાસ રૂ. 4,150, લોકલ કોમર્શિયલ રૂ. 60
લોકલ રાહત: 20 કિ.મી.માં રહેતા સ્થાનિક નોન-કોમર્શિયલ વાહન માટે માસિક પાસ રૂ. 350, વાર્ષિક પાસ રૂ. 3,075
અનઆઈડેન્ટિફાઇડ (ઘોસ્ટ) વાહનોનો નવો ખતરો
તાજેતરના રિપોર્ટ મુજબ, બેરિયર-લેસ પ્લાઝા પર હજારો વાહનો એવા છે જેને ઓળખી જ શકાતા નથી અને ટોલ ભરતા નથી. શાહજહાંપુર પર દર 10માંથી 1 વાહન “અનઆઈડેન્ટિફાઇડ” વર્ગમાં આવે છે. આને કારણે હવે કેન્દ્રીય માર્ગ મંત્રાલયે તપાસ એજન્સી અને GST વિભાગ સાથે બેઠક કરી છે. ચિંતા એ છે કે આવા વાહનો દાણચોરી, ગેરકાયદે રેતી ખનન કે GST ચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાતા હોય, કારણ કે ઈ-વે બિલ સિસ્ટમ ફાસ્ટટેગ સાથે જોડાયેલી છે. એમએલએફએફમાં ટોલ ત્યારે જ કપાય છે જ્યારે ફાસ્ટટેગ અને તેની સાથે લિંક નંબર પ્લેટ મેચ થાય. જો ફાસ્ટટેગ ન હોય તો નંબર પ્લેટથી ઓળખીને માલિકને ઈ-નોટિસ મોકલાય છે. 72 કલાકમાં ભરે તો નોર્મલ ટોલ, પછી ડબલ ટોલ વસૂલાય છે.
ઘોસ્ટ વાહનોથી શું નુકસાન?
- સરકારને કરોડોનું નુકસાન: ઓળખ ન થાય તો ટોલ વસૂલી જ શકાતો નથી.
- નિર્દોષોને ખોટા કપાત: ક્લોન પ્લેટને કારણે બીજા માલિકના ફાસ્ટેટગમાંથી પૈસા કપાઈ જાય છે.
- દાણચોરી-ગુનાખોરી: ઓળખ વગરનું વાહન દાણચોરી, ગેરકાયદે રેતી ખનન, ચોરી જેવા ગુનામાં વપરાઈ શકે છે.
- GST ચોરી: ઈ-વે બિલ ફાસ્ટટેગ સાથે જોડાયેલું છે. વાહન ઓળખાય નહીં તો માલનો હિસાબ મળતો નથી, બોગસ બિલિંગ આસાન બને છે.
- સુરક્ષા જોખમ: કાયદો-વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો.
શું થશે હવે?
આને કારણે હવે કેન્દ્રીય માર્ગ મંત્રાલયે તપાસ એજન્સી અને GST વિભાગ સાથે બેઠક કરી છે. મંત્રાલય હવે આવા વાહનોને ઓળખવા માટે ખાસ ડેડિકેટેડ ઇન્ટરનલ પોર્ટલ બનાવી રહ્યું છે.
- વ્હીકલ ફિન્ગરપ્રિન્ટિંગ + AI: કેમેરાના ફોટા, રંગ, મોડલ, આકારથી વાહન ઓળખાશે. નંબર પ્લેટ બદલીને પણ નીકળશે તો ફોટાથી પકડાશે.
- VAHAN સાથે જોડાણ: MLFF ડેટા + જૂના ટોલ પ્લાઝાના FASTag ટ્રાન્ઝેક્શન + VAHAN ડેટા મેચ કરાશે.
- બધા વિભાગોને ડેટા શેરિંગ: પોલીસ, ટ્રાન્સપોર્ટ, તપાસ એજન્સી અને GST વિભાગને ડેટા મળશે.
- કડક કાર્યવાહી: ઈ-નોટિસ, VAHAN સેવા બંધ, પોલીસ ચેકપોસ્ટ, 4થી 8 ગણો દંડ અને FIRની વિચારણા. નંબર પ્લેટની નકલ કરવી એ સામાન્ય ઉલ્લંઘન નથી, ગંભીર ગુનો છે.