વડોદરા: ચાલુ વર્ષે વરસાદની ઘટ રહેતા શહેરના મુખ્ય જળસ્ત્રોત આજવા સરોવરની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સરોવરની સપાટી ઘટીને ૨૦૭.૧૦ ફૂટ થઈ જતા આગામી દિવસોમાં શહેરની પાણી પુરવઠા વ્યવસ્થા જાળવી રાખવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરી એકવાર નર્મદા કેનાલમાંથી પાણી ખરીદવાની ફરજ પડશે. જો આ નિર્ણય લેવાશે, તો પાલિકાના ઇતિહાસમાં એક જ વર્ષમાં બીજી વખત નર્મદાનું પાણી ખરીદવાની સ્થિતિ સર્જાશે.
અગાઉ ચોમાસા પૂર્વે ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ આઠ વર્ષ બાદ સરોવરની સપાટી ૨૦૫ ફૂટની નજીક પહોંચી હતી. ત્યારે પાલિકાએ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ સાથે સંકલન કરી ૩૦ દિવસ સુધી દૈનિક ૩૦૦ એમએલડી વધારાનું પાણી રૂ. ૩.૫૨ કરોડના ખર્ચે મેળવ્યું હતું. હવે નવેમ્બરમાં જ ફરી સપાટી ઘટતા પાણી પુરવઠા વિભાગે આગામી એક મહિનામાં નર્મદા કેનાલ મારફતે આજવામાં પાણીની આવક શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે.
ટેકનિકલ દ્રષ્ટિએ આજવાની સપાટી ૨૦૬ ફૂટથી ઉપર હોય ત્યારે ગુરુત્વાકર્ષણથી પાણી સીધું શહેર સુધી પહોંચે છે, પરંતુ ૨૦૯ ફૂટથી સપાટી નીચે ઉતરતા પોન્ટૂન પંપ ચલાવવા પડે છે. હાલ દિવાળીની રોશનીને કારણે વીજ બિલમાં પહેલેથી જ વધારો થયો છે, ત્યારે પંપિંગ શરૂ થતા પાલિકાની તિજોરી પર વીજ બિલનો વધુ એક આર્થિક બોજ આવશે.
આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે તંત્રને ઘેરતા આક્ષેપ કર્યો છે કે શિયાળામાં પ્રથમ વખત કલાલી સહિતના તળાવો સૂકાઈ રહ્યા છે અને ભૂગર્ભ જળસ્તર ઘટ્યા છે. બીજી તરફ ખિસકોલી સર્કલ અને કલાલી ત્રણ રસ્તા પાસે પાણીની લાઈનો વારંવાર તૂટતા પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. કોંગી કાઉન્સિલરે પણ સવાલ ઉઠાવ્યો છે કે અગાઉની મંજૂરીમાં ૧૧ દિવસનું પાણી બાકી છે, પરંતુ સરોવરમાં પાણી જ નથી તો કમિશનરના વાયદા મુજબ ૫૦ એમએલડી વધારાનું પાણી ક્યાંથી અપાશે?
દરમિયાન, વર્ષ ૨૦૨૪ના પૂર બાદ નવલાવાલા સમિતિના સૂચન મુજબ આજવાના ૧૩૬ વર્ષ જૂના ૬૨ દરવાજા હટાવી રૂ. ૪૫ કરોડના ખર્ચે ૨૦ ઓટોમેટિક દરવાજા બેસાડવાની કામગીરી પ્રગતિમાં છે, જેમાંથી ૧૦ દરવાજા પૂર્ણ થયા છે અને બાકીની કામગીરી ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.