વડોદરા તા.23
વધુ વ્યાજની લાલચ આપીને રોકાણકારોને જાળમાં ફસાવવાના કિસ્સામાં વડોદરામાં સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો.ઓપરેટીવ સોસાયટી લિમિટેડ સામે છેતરપિંડી થઈ છે. સોસાયટીમાં નાણાંનું રોકાણ કરશો તો સારું વળતર મળશે તેવી ખાતરી આપીને ત્રણ પરિવાર પાસેથી રૂ.1.45 કરોડનું રોકાણ કરાવાયું હતું. જોકે, રોકાણની મુદત પૂર્ણ થયા બાદ પણ નાણાં પરત નહીં મળતાં આખરે સયાજીગંજ પોલીસ મથકમાં ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે.
પ્રથમ ફરિયાદ માંજલપુરના સચીનભાઈ કાંતીભાઈ પટેલે નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી મનોજ સોલંકી અને જીગ્નેશ પલાન્ડેએ 21 માર્ચ 2014થી 29 એપ્રિલ 2016 દરમિયાન માંજલપુર ગામમાં આવેલી વિનાયક ટ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાને આવી સમૃદ્ધ જીવન સોસાયટીમાં રોકાણ કરવાથી વધુ વ્યાજ મળશે તેવી ખાતરી આપી હતી. આ રીતે ફરિયાદી અને સાહેદો પાસેથી રૂ.79.85 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, પાકતી મુદતે નાણાં પરત ન આપતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજા બનાવમાં સુભાનપુરાની સિટીઝન સોસાયટીમાં રહેતા છગનભાઈ નાનાભાઈ પટેલે વિજય બારીઆ, સચિન કદમ, પ્રજ્ઞેશ દેસાઈ અને નિહિરભાઈ વિકાસચંદ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ 12 જૂન 2014થી 23 જૂન 2016 દરમિયાન ફરિયાદીના ઘરે જઈ સમૃદ્ધ જીવન સોસાયટીમાં વધુ વ્યાજની લાલચ આપી રૂ.26 લાખનું રોકાણ કરાવ્યું હતું. મુદત પૂર્ણ થયા બાદ પણ રકમ પરત નહીં મળતાં પોલીસ ફરિયાદ થઈ છે.
ત્રીજા બનાવમાં સિટીઝન સોસાયટી, ઇલોરા પાર્ક ખાતે રહેતાં મીનાક્ષીબેન વિક્રમસિંહ મહિડાએ વિજય બારીઆ, સચિન કદમ, હાર્દિક જ્ઞાનેશ્વર શાહ, પ્રજ્ઞેશ દેસાઈ અને નિહિરભાઈ વિકાસચંદ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2014થી 2015 દરમિયાન અલગ-અલગ સમયે આરોપીઓએ ઘરે આવી વધુ વ્યાજની ખાતરી આપી ફરિયાદી અને સાહેદો પાસેથી કુલ રૂ.39.89 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, પાકતી મુદતે નાણાં પરત ન આપતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સયાજી ગંજ પોલીસે સાત આરોપીઓ વિરોધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.