સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોતાના મકાનના ટેરેસ પરથી પગ લપસી જતાં 50 વર્ષીય મહિલા બે મકાનોની દીવાલ વચ્ચેના સાંકડા પેસેજમાં નીચે પટકાયાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહિલાને બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ, સોસાયટીમાં રહેતાં 50 વર્ષીય દયા મુકેશ લાભ્યા સવારે પોતાના મકાનના ટેરેસ પર ગયાં હતાં.
આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ બે મકાનોની દીવાલ વચ્ચેના ભાગમાં નીચે પડી ગયાં હતાં. સાંકડી જગ્યામાં ફસાઈ જવાને કારણે તેઓ જાતે બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતાં. આથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ લેડર, દોરડા અને સ્ટ્રેચરની મદદથી ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. રેસ્ક્યુ બાદ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક વધુ સારવાર માટે નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.