વડોદરા: શહેરના તુલસીવાડી વિસ્તારમાં પરંપરાગત તુલસી વિવાહ મહોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજે ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો નીકળનાર છે. કાર્તિકી પૂનમના પાવન અવસરે યોજાનારા આ ધાર્મિક ઉત્સવમાં ભગવાનના વરઘોડાને આવકારવા માટે તુલસીવાડીમાં રંગરોગાન અને સાફ-સફાઈ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમજ ઠાકોરજીના સેવાક્રમ સંબંધિત વ્યવસ્થાઓ પણ સજ્જ કરી દેવાઈ છે.

આયોજન મુજબ, આજે સાંજે પાંચ વાગ્યે નરસિંહજીની પોળ સ્થિત મંદિરથી ભગવાન નરસિંહજીનો ભવ્યથી ભવ્ય વરઘોડો પ્રસ્થાન કરશે. આ વરઘોડો શહેરના માંડવી અને ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈને મોડી રાત્રે તુલસીવાડી ખાતે પહોંચશે. ત્યાં ભગવાન શ્રી નરસિંહજી અને માતા તુલસીજીના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થશે, ત્યારબાદ વરઘોડો પરત ફરીને વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ મંદિરે પહોંચશે.

દર વર્ષની પરંપરા અનુસાર યોજાતા આ લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે અને ભગવાનના વિવાહનો લાવો લઈ ધન્યતા અનુભવે છે. વિવાહ પ્રસંગ પૂર્વે જ મહિલા ભક્તોએ તુલસીવાડીમાં પહોંચી તુલસી માતાના દર્શન કરી કન્યાદાન અર્પણ કર્યું હતું અને રાત્રિના સમયે પહોંચી ન શકાય તો અગાઉથી કન્યાદાન આપીને ફરીથી ભગવાન તથા તુલસી માતાના લગ્નના દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી સૌના આશીર્વાદની કામના કરી હતી. ઉત્સવ દરમિયાન મોડી રાત સુધી તુલસીવાડી વિસ્તારમાં ભાવિકોની ભારે ચહેલપહેલ જોવા મળશે.