વડોદરા: વડોદરા અને વાઘોડિયા વચ્ચે દિવસેને દિવસે વધી રહેલા વાહનોના ધસારાને પગલે લાંબા સમયથી પ્રવર્તી રહેલી સિક્સ લેન રોડની માગણી આખરે પૂર્ણ થઈ છે. આમોદર બાદ ફોર લેન માર્ગને સિક્સ લેન બનાવવા માટે રૂ. 245 કરોડના વહીવટી ખર્ચને મંજૂરી મળી ગઈ છે અને માર્ગ તથા મકાન વિભાગ દ્વારા આ દિશામાં પ્રાથમિક કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 10 કિલોમીટર લાંબા આ માર્ગના વિસ્તરણ સાથે બે વ્હિકલ અંડરપાસ એટલે કે બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી વાહનચાલકો માત્ર 10 મિનિટમાં 10 કિલોમીટરનું અંતર કાપી શકશે તેવી ગણતરી માંડવામાં આવી છે.
વડોદરાથી વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર સુમનદીપ વિદ્યાપીઠ અને પારુલ યુનિવર્સિટી સહિત ત્રણ મોટા શૈક્ષણિક સંકુલો આવેલા છે, જ્યાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો અને સ્ટાફની સતત અવરજવર રહે છે. ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલરૂપે 10 કિલોમીટરના આ પટ્ટાને સિક્સ લેન કરવાની મંજૂરી મળ્યા બાદ હાલ રોડ એલાઈમેન્ટ, યુટિલિટી શિફ્ટિંગ અને જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન કેટલાક નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સમગ્ર 10 કિલોમીટરના માર્ગ પર ડામર અને કોન્ક્રિટ બંનેનો સમન્વય કરીને મજબૂત સપાટી તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને પારુલ યુનિવર્સિટી પાસે અને વાઘોડિયા જીઆઈડીસી નજીક એમ બે સ્થળે વ્હિકલ અંડરપાસ બનવાથી વાહનોની અવરજવર એકધારી અને અવિરત બની રહેશે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવામાં સૌથી મોટો પડકાર જમીન સંપાદનનો છે. કુલ પાંચ ગામોની આશરે 25 હેક્ટર જમીન સંપાદિત કરવાની કાર્યવાહી થશે, જેમાં વાઘોડિયા, લીમડા, દત્તપુરા, કમલાપુરા અને પીપળીયા ગામનો સમાવેશ થાય છે. જમીન સંપાદન અધિનિયમ 2013ની કલમ 10(ક) હેઠળનું પ્રાથમિક જાહેરનામું ઓક્ટોબર મહિનામાં મંજૂર થઈ ચૂક્યું છે. આ તરફ વુડા દ્વારા પણ વડોદરા અને વાઘોડિયા વચ્ચે પોતાના હદ વિસ્તારમાંથી પસાર થતા રિંગ રોડ પર 2.60 કિલોમીટર લંબાઈનો માર્ગ મોડેલ રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે. અઢી કિલોમીટરથી વધુ લંબાઈનો આ મોડેલ રોડ આરસીસી બનાવવામાં આવશે, જેમાં વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા સાથે સેન્ટ્રલ લાઈનમાં ગાર્ડન, વોક-વે અને પાર્કિંગ એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.