રસ્તા પર વાહન ચલાવતી વખતે થોડી બેદરકારી આખા પરિવારને જિંદગીભરનું દુઃખ આપી શકે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ માત્ર ટ્રાફિક નિયમ નહીં, પરંતુ જીવન બચાવતું સુરક્ષા કવચ છે. શહેરમાં ઓવર સ્પીડિંગ, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં ટુ-વ્હીલર ચાલકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જીવ ગુમાવવાના બનાવો પણ બનતા હોવાથી વડોદરા શહેર પોલીસ હવે વાહનચાલકોની સુરક્ષાને લઈને મેદાને ઉતરી છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર અને પોલીસ વિભાગ દ્વારા ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવાની સરાહનીય પહેલ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ કમિશનરે વાહનચાલકોને હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર નહીં ચલાવવા ખાસ અપીલ કરી હતી. સાથે જ હેલ્મેટ પહેરવું એ પોલીસના દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાનો જીવ બચાવવા માટે જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે વાહનચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવાના શપથ પણ લેવડાવ્યા હતા. પોલીસ દ્વારા માત્ર નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી જ નહીં, પરંતુ લોકોમાં ટ્રાફિક જાગૃતિ આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. બેફામ ગતિએ વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સાથે હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાની આ પહેલ કરવામાં આવી છે. એક ક્ષણની બેદરકારી જીવનભરનો અફસોસ ન બને તે માટે વાહનચાલકો હેલ્મેટ પહેરીને જ રસ્તા પર નીકળે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવો સંદેશ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.