માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં માતા-પિતા અને દાદીની ગેરહાજરીમાં એકલી રમતી બે નાની બહેનો પૈકી 8 વર્ષની બાળકી દિવાસળીના બોક્સ સાથે રમતી હતી. આ દરમિયાન દિવાસળી સળગાવતા તેની 4 વર્ષની બહેનના ફ્રોકમાં આગ લાગી ગઈ હતી. આગની લપેટમાં આવતાં બાળકી શરીરના 65 ટકાથી વધુ ભાગે દાઝી જતાં તેને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કઠોર ગામના વિવેકનગરમાં રહેતા બચુભાઈ દેવીપૂજક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરે બચુભાઈ અને તેમનાં પત્ની સંબંધીના ઘરે બારમાના પ્રસંગમાં ગયા હતા. જ્યારે તેમની માતા પણ ઘરકામ અર્થે બહાર ગયાં હતાં. આ દરમિયાન ઘરમાં બચુભાઈની ચાર વર્ષની પુત્રી પૂનમ અને આઠ વર્ષની પુત્રી આરોહી એકલી હતી. બંને બહેનો ઘરમાં રમતી હતી. ત્યારે આરોહીએ ઘરમાં પડેલું દિવાસળીનું બોક્સ હાથમાં લઈ રમતાં-રમતાં દિવાસળી સળગાવી હતી. આ સમયે દિવાસળીની આગ નાની બહેન પૂનમના ફ્રોકમાં લાગી જતાં તેના કપડાં સળગવા લાગ્યાં હતાં.
અચાનક કપડાંમાં આગ લાગતાં પૂનમ જોરજોરથી રડવા અને બૂમો પાડવા લાગી હતી. બાળકીની બૂમો સાંભળી પાડોશીઓને બનાવની જાણ થઈ હતી. જોકે, પાડોશીઓ મદદ માટે પહોંચે ત્યાં સુધીમાં પૂનમનાં કપડાં મોટાભાગે સળગી ગયાં હતાં અને તે શરીરના અનેક ભાગે દાઝી ગઈ હતી. બનાવ બાદ પાડોશીઓએ તાત્કાલિક પૂનમને કઠોરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જોકે, બાળકીની ગંભીર હાલતને પગલે ત્યાંથી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
બાળકી 65 ટકાથી વધુ દાઝી
નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર મેડિકલ ઓફિસર ડૉ. પ્રિયંકા કંથારિયાએ જણાવ્યું હતું કે, બાળકી પૂનમ મોઢા સહિત શરીરના ભાગે અંદાજે 65 ટકાથી વધુ દાઝી ગઈ છે. ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. બાળકીના શરીરનો અંદરનો ભાગ વધુ દાઝ્યો નથી અને ઉપરછલ્લાં દાઝવાનાં નિશાન છે, તેમ છતાં આટલા મોટા પ્રમાણમાં દાઝવું ગંભીર બાબત છે.